ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ કેટલાક રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી બાજું વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 7 દિવસ દરમિયાન વાવાઝોડા અને 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 27-28 એપ્રિલે વાદળછાયું વાતાવરણ અને વાવાઝોડાની આગાહી છે. અરુણાચલ પ્રદેશમાં વરસાદની શક્યતા છે.
દેશમાં હવામાન વિભાગ દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે તો કેટલીક જગ્યાએ ગરમી વધી શકે છે. તો સાથે સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. દિલ્હી અને યુપી સહિત ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે.
27 થી 30 એપ્રિલ દરમિયાન પૂર્વ ભારત, પૂર્વ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, છત્તીસગઢ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા, વીજળી અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 27 એપ્રિલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં, 26 થી 28 એપ્રિલે બિહારમાં અને 28 થી 29 એપ્રિલે ઝારખંડમાં વાવાઝોડા પડશે. ઉપરાંત 27-28 એપ્રિલના રોજ ઓડિશા અને પૂર્વી મધ્યપ્રદેશમાં કરા અને વરસાદ પડશે.
આગામી 7 દિવસ દરમિયાન કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, પુડુચેરીમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડશે. 29 એપ્રિલથી 2 મે દરમિયાન પશ્ચિમ હિમાચલ પ્રદેશ અને ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. આ વિસ્તારમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, યુપી, રાજસ્થાન રાજ્યોનો સમાવેશ થાય છે અને પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ રાજ્યોનો સમાવેશ થાય છે.