
અમદાવાદ
અમદાવાદના ચંડોળામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાની સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ત્યારે આ અંગે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘએ નિવેદન આપતા કહ્યું કે ચંડોળા તળાવમાં 2022માં ATS દ્વારા AQISના આતંકી હતા, તેને પકડવામાં સફળતા મળી હતી તેની તપાસ હાલમાં NIA દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચને જમાતે ઉલ મુજાહિદ્દીન ત્યાંથી છૂટી ગયા છે અને અહી ચંડોળા તળાવમાં સંપર્ક બનાવવા પ્રયાસ થયા હતા.
ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘએ કહ્યું કે અહીં ઘણા ડ્રગ્સના કેસ થયા છે. છેલ્લા 6 માસમાં ઘણા કેસ થયા છે. આ એટલો ગીચ વિસ્તાર હતો અને પોલીસ કે એજન્સી જાય તો સ્થાનિક એલર્ટ કરી દેતા હતા. દેહ વ્યાપારનું મોટું રેકેટ પણ અહીં ચાલતું હતું અને ગયા વર્ષે કેસ પણ દાખલ કર્યા હતા. લલ્લા બિહારીના ત્યાં એસી રૂમ મળી આવ્યા અને તે પણ બળજબરીથી દેહ વ્યાપાર કરાવતો હતો. મની લોન્ડ્રીંગ અને ખોટી કંપની દ્વારા પૈસા બાંગ્લાદેશ મોકલવામાં આવતા હતા. અહીં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ના થાય તેના માટે ગત 25 તારીખે હાઈ લેવલ મિટિંગ યોજાઈ હતી, તેમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
ગત 26 તારીખે 3 વાગ્યાથી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને શકમંદ બાંગ્લાદેશીઓને પકડી લેવામાં આવ્યા હતા. 150થી વધારે ગેરકાયદે બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે અને હાલમાં 250 લોકોની પૂછપરછ ચાલી રહી છે. બાકીના પાસે દસ્તાવેજ હતા તો છોડી દીધા છે. લાલા બિહાર અને તેના પુત્ર ખોટા દસ્તાવેજ બનાવતા હતા, હાલમાં તેના દીકરાની અટકાયત કરવામાં આવી છે. અહીં ઘણા ઘરોમાં ઘૂસણખોર રહે છે અને આજે મોટી કોમ્બિંગ કરવામાં આવી છે. AMC કલેકટર અને પોલીસ દ્વારા સરવે કરવામાં આવ્યું હતું.
અહીં ઘણા દબાણ ઊભા કરવામાં આવ્યા હતા. આજ સવારથી AMC કમિશનરની સૂચનાથી 49 જેટલા જેસીબી અને અલગ અલગ ટીમ બનાવી હતી અને કુલ 2000થી વધારે પોલીસ આ ઓપરેશનમાં સામેલ હતા.
45 ડિગ્રી તાપમાનમાં તમામ ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે, જ્યાં સુધી બીજી વ્યવસ્થા ના થાય તેના માટે AMCએ અન્ય વ્યવસ્થા કરી છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યાં સુધી દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે. આ જગ્યા શ્રી સરકાર જગ્યા છે અને AMCને આપવામાં આવી હતી. એસ્ટેટ વિભાગની જવાબદારી હોય છે કે દબાણ ના થાય અને પોલીસની જવાબદારી છે કે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જળવાઈ રહે તે જવાબદારી પોલીસની હોય છે. ત્યારે જો ખોટા દસ્તાવેજમાં જો કોઈ સરકારી કર્મચારી સંડોવાયેલા હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. 2022માં અમે 2 કેસ કર્યા હતા અને અનેક વિગત મેળવી હતી અને ફોકસ આ એરિયામાં વધાર્યું હતું અને ગેરકાયદે વીજ જોડાણ લીધા હોવાના પણ સામે આવ્યું છે.