
કચ્છ
કચ્છના આદિપુર શહેરના ટાગોર રોડ પર આજે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેણે થોડા દિવસો પહેલાં જ આ જ માર્ગ પર થયેલી ભયાનક બસ દુર્ઘટનાની કાળી અને દુઃખદ યાદો તાજી કરી દીધી છે. વારંવાર બનતા અકસ્માતોએ ટાગોર રોડની સલામતી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. આજના અકસ્માતની વિગતો મુજબ, આદિપુરના ટાગોર રોડ પર એક ઓડી કાર અને એક છોટા હાથી (નાનું માલવાહક વાહન) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓડી કાર આદિપુર તરફથી ગાંધીધામ તરફના માર્ગે આગળ વધી રહી હતી. તે જ સમયે, એક છોટા હાથી નજીકના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવીને મુખ્ય માર્ગ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક બંને વાહનો સામસામે આવી ગયા હતા અને ધડાકાભેર અથડાયા હતા. સૌભાગ્યવશ, આ ભયાનક ટક્કરમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ગંભીર ઈજા પણ પહોંચી નથી. જેના કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ટક્કરની તીવ્રતા એટલી હતી કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજના અકસ્માતનું સ્થળ એ જ છે જ્યાં માત્ર થોડા દિવસો પહેલાં જ એક બેફામ બસ ચાલકે ગમખ્વાર અકસ્માત સજર્જ્યો હતો, જેમાં ત્રણ નિર્દોષ લોકોએ અકાળે જીવ ગુમાવ્યા હતા. એક જ સ્થળે આટલા ટૂંકા ગાળામાં બીજી મોટી દુર્ઘટના બનવી એ અત્યંત ચિંતાજનક બાબત છે અને સ્થાનિક લોકોમાં ભારે અસલામતીની લાગણી વ્યાપી ગઈ છે. ટાગોર રોડ પર વારંવાર બનતા આવા એક સ્માતોને કારણે સ્થાનિક નાગરિકોમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકો હવે તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તેમની પ્રમુખ માંગણીઓમાં ટાગોર રોડ પર વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટે સ્પીડ બ્રેકર કેમેરા કે અન્ય ઉપાયો કરવા. માર્ગ પર સલામતીનાં વધુ સઘન પગલાં લેવા અને ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરાવવાનો સમાવેશ થાય છે, જેથી ભવિષ્યમાં આવા દુઃખદ અને જીવલેણ અકસ્માતોને અટકાવી શકાય.