ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટ્રક ડ્રાઇવરો માટે અંગ્રેજી ભાષાની નિપુણતા ફરજિયાત કરતો આદેશ જારી કર્યો છે. તેનાથી ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરોમાં ચિંતા છે કારણ કે તેનાથી રોજગારમાં ભેદભાવ વધી શકે છે. સરકારનું કહેવું છે કે આ સુરક્ષા અને અર્થતંત્ર માટે જરૂરી છે, પરંતુ વિરોધીઓનું માનવું છે કે તે બિન-અંગ્રેજી ભાષી ડ્રાઇવરો માટે અવરોધ ઊભો કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા બાદ યુદ્ધના ધોરણે પોતાના ચૂંટણી વચનો પૂરા કરવામાં લાગેલા છે. તેના માટે ટ્રમ્પ દરરોજ નવા-નવા આદેશો પસાર કરી રહ્યા છે. એવો જ એક આદેશ ટ્રમ્પે ટ્રક ડ્રાઇવરોને લઈને આપ્યો છે, જેણે ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરો માટે ચિંતા વધારી દીધી છે. રોઇટર્સના સમાચાર અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ અમેરિકામાં ટ્રક ચાલકો માટે અંગ્રેજીમાં નિપુણતા મેળવવી ફરજિયાત કરવામાં આવી છે.
આ ફરજિયાતપણાએ શીખ અધિકાર જૂથોમાં ચિંતા પેદા કરી છે. તેમનું કહેવું છે કે તેનાથી રોજગારમાં ભેદભાવ વધી શકે છે અને નોકરીમાં બિનજરૂરી અવરોધ ઊભો થઈ શકે છે. કાર્યકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના ટ્રક ડ્રાઇવરો દેશના અર્થતંત્ર, તેની સુરક્ષા અને અમેરિકી લોકોની આજીવિકાની મજબૂતાઈ માટે આ જરૂરી છે.
અંગ્રેજી શીખવું કેમ જરૂરી?
સોમવારે જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે, ‘અંગ્રેજીમાં નિપુણતા, જેને ટ્રમ્પે અમેરિકાની સત્તાવાર રાષ્ટ્રભાષા તરીકે નિયુક્ત કરી છે. વ્યાવસાયિક ડ્રાઇવરો માટે અંગ્રેજી આવડવું જરૂરી છે જેથી તેઓ ટ્રાફિક સિગ્નલ વાંચી અને સમજી શકે. સાથે જ ટ્રાફિક સુરક્ષા, સરહદ પેટ્રોલિંગ, કૃષિ ચોકીઓ અને કાર્ગો વજન-સીમા સ્ટેશનના અધિકારીઓ સાથે વાતચીત કરી શકે.’
આદેશ પર ટ્રમ્પે શું કહ્યું?
ટ્રમ્પે આદેશમાં કહ્યું, ‘મારું વહીવટીતંત્ર અમેરિકી ટ્રક ચાલકો, ડ્રાઇવરો, મુસાફરો અને અન્ય લોકોની સુરક્ષા માટે કાયદો લાગુ કરશે, જેમાં સુરક્ષા અમલીકરણના નિયમોને જાળવી રાખવાનો પણ સમાવેશ થાય છે, જે એ સુનિશ્ચિત કરે છે કે વ્યાપારી વાહન ચલાવનાર કોઈપણ વ્યક્તિ અમારી રાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં યોગ્ય રીતે લાયક અને કુશળ હોય.’