
રાજ્યમાં આગઝરતી ગરમીને વચ્ચે માવઠાંની આગાહી કરવામાં આવી છે. 3થી 6 મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે માવઠાં થવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાંનું જોર વધુ રહેવાની શક્યતા છે, જોકે માવઠાંની આગાહી વચ્ચે આજે પણ લોકોએ આકરી ગરમી સહન કરવાની રહેશે. આજે રાજકોટ અને અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. એપ્રિલ મહિનાની વાત કરીએ તો રાજકોટમાં એકપણ દિવસ એવો નથી રહ્યો કે તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે ગયો હોય. 30માંથી 27 દિવસ રાજકોટમાં 42 ડિગ્રી કે તેથી વધુ ગરમી નોંધાઈ હતી.
ગુજરાતમાં આજે 40થી 45 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા છે. બે દિવસ બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. તો 3 તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, કરા અને પવન સાથે માવઠાં થવાની શક્યતા છે.
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં માવઠાંની આગાહીને પગલે હવામાન વિભાગ તરફથી ખેડૂતોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તોફાની પવનના જોરથી પાકને નુકસાનની શક્યતા હોવાથી હવામાન ખાતાએ ખેડૂતોને સૂચના આપી છે કે તેઓ પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી લે. ખાસ કરીને ખેતરોમાં નરમ પડેલા પાકો અને તૈયાર મગફળી, કપાસ કે ફળોના બાગાયત માટે સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.
આ વર્ષે રાજકોટમાં ગરમીએ ભુક્કા કાઢ્યા છે. ગુજરાતના ચાર મોટાં શહેર- અમદાવાદ, રાજકોટ, સુરત અનને વડોદરાના એપ્રિલ મહિનાના તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. રાજકોટમાં એકપણ દિવસ એવો નથી રહ્યો, જેમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે ગયો હોય. રાજકોટમાં સિઝનનું સૌથી વધુ તાપામન 28 એપ્રિલે 46.2 ડિગ્રી નોંધાયું હતું. એપ્રિલ મહિના દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા નીચે મુજબ છે.
એપ્રિલ મહિનાની વાત કરીએ તો રાજકોટમાં સિઝનનું સૌથી વધુ તાપમાન 28 એપ્રિલે 46.2 ડિગ્રી નોંધાયું, જ્યારે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 20 એપ્રિલે 44.8 તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 9 એપ્રિલે સૌથી વધુ 43 ડિગ્રી, જ્યારે સુરતમાં 9 એપ્રિલે સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.