વડોદરા શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને વડોદરા પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે 48 પર અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે. ગત મોડી રાત્રે ગોલ્ડન ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં બાઇક ચાલક મનોજ પ્રભુદાસ પરમારનું અજાણ્યા વાહને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ગોલ્ડન બ્રિજ પાસે ગત(30 એપ્રિલ) મોડી રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી બાઇક ચાલક મનોજ પ્રભુદાસ પરમાર (ઉ.વ. 39, રહે. લાલજીપુરા, સોખડા, તા.જી. વડોદરા)ને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં મનોજને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર 108 આવી હતી. જો કે ગંભીર ઇજાઓને લઇ તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આ અંગે હરણી પોલીસ મથકમાં મૃતકના કાકા નટવરસિંહ પરસોત્તમદાસ પરમાર (ઉ.વ. 50, રહે. ત્રિમૂર્તિ હાઉસિંગ સોસાયટી, ન્યૂ સમા રોડ, વડોદરા)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓનો ભત્રીજો બાઇક લઈને જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા ચાલકે સુરતથી અમદાવાદ તરફ જતા અડફેટે લઈ ભાગી ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનોજનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના કાકા નટવરસિંહ પરમારે જણાવ્યું હતું કે, તે રાત્રે લગ્ન પ્રસંગથી આવતો હતો. તેની સાથે કોઈ હતું કે કેમ તે સમજાતું નથી. તે મંજુસર GIDCમાં નોકરી કરતો હતો. અજાણ્યા વાહનની ટક્કરે તેનું મોત નિપજ્યું છે. એના પિતા રિટાયર્ડ છે અને તેઓ અગાઉ GSFCમાં નોકરી કરતા હતા. હાલમાં આ મામલે હરણી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં મૃતકના મૃતદેહનો પોલીસે કબ્જો લઈ શહેરની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર પાસેથી પસાર થતો નેશનલ હાઈવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. એપ્રિલ માસમાં આ હાઈવે પર સતત અકસ્માતો સામે આવ્યા છે જેમાં 11 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ અકસ્માતનો હાઈવે હોય તેવું લાગી રહ્યું છે.