
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાંથી લાપતા થયેલા 11 વર્ષીય વિદ્યાર્થી અને તેની 23 વર્ષીય શિક્ષિકા આખરે સાડાચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ ગયાં છે. કોઈની નજરમાં ન આવે એમ સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન એમ 2200 કિ.મી. બસમાં ટ્રાવેલ કર્યું ને બાદમાં અમદાવાદ રવાના થતા સમયે રાજસ્થાન બોર્ડર પાસેથી ચાલુ બસમાં જ પોલીસે શિક્ષિકાને દબોચી લીધી હતી. આ દરમિયાન બે હોટલમાં રાત્રિરોકાણ પણ કર્યું. હાલ બંનેના મેડિકલ ચેકઅપ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. હાલ તો આ નિવેદન આધારે વિદ્યાર્થી અને શિક્ષિકાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોકસો અને બીએનએસ કલમ 127 એડ કરી વધુ તપાસ હાલ ચાલી રહી છે.
ઘટના શું હતી? સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગત 25 એપ્રિલના રોજ 11 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને 11 વર્ષીય વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકા માનસી નાઈની શોધખોળ કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસના હાથે એક CCTV પણ લાગ્યા હતા, જેમાં વિદ્યાર્થી શિક્ષિકા માનસી સાથે જતો હોવાનું દેખાઈ રહ્યું હતું. આ ઉપરાંત શિક્ષિકા દ્વારા એક દુકાન પરથી કોઈ વસ્તુ ખરીદી એનું રોકડમાં પેમેન્ટ કર્યું હોવાના ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા.
પોલીસ દ્વારા શિક્ષિકાને પકડવા માટે અલગ-અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી ત્યારે પોલીસને મોબાઈલ નંબર ટ્રેસ કરતાં એવી માહિતી મળી હતી કે શિક્ષિકા વિદ્યાર્થી સાથે રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહી છે ત્યારે આ માહિતીના આધારે પોલીસે રાજસ્થાન બોર્ડર પાસે શામળાજી પાસેથી શિક્ષિકા માનસીને ઝડપી પાડી હતી અને માનસી સાથે વિદ્યાર્થી પણ પોલીસને મળ્યો હતો.
પુણા પોલીસની ટીમ દ્વારા શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત લાવવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ વિદ્યાર્થીને પોતાના પરિવારને સોંપવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સુરક્ષિત મળતાં પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ પુણા પોલીસ દ્વારા શિક્ષિકા માનસી નાઇની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ શિક્ષિકા પુણાગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આ જ શાળામાં શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો. શિક્ષિકા પાસે ટ્યૂશન લેવા માટે છેલ્લાં ત્રણ વર્ષથી જતો હતો. છેલ્લા ઘણા સમયથી શિક્ષિકા પાસે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોવાને લઈ બંને વચ્ચે બોન્ડિંગ પણ બની ગયું હતું. પ્રેમસંબંધની પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે, પરંતુ આ બાબતે પોલીસ તપાસમાં કોઈ વિગતો સામે આવી નથી.
શિક્ષિકા માનસી નાઇની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તે 25 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે વિદ્યાર્થીને લઈને પહેલા સુરતમાં અલગ-અલગ વિસ્તારમાં ફરી હતી, જેમાં સુરતના ડુમસ રોડ ખાતે આવેલા વી.આર મોલમાં બે કલાક જેવું ફર્યાં હતાં. સુરત સ્ટેશનથી રિક્ષામાં વી.આર મોલ સુધી પહોંચ્યાં હતાં. વી. આર. મોલમાં ફર્યા બાદ પાંચ વાગ્યે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી એસ.ટી. બસમાં બેસીને વડોદરા ગયા હતા. રાત્રે 9:00 વાગ્યે વડોદરા પહોંચ્યાં બાદ રાત્રિરોકાણ વડોદરાની હોટલમાં કર્યું હતું.
26 એપ્રિલના રોજ શિક્ષિકા અને વિદ્યાર્થી બંને સવારે 6:00 વાગ્યે હોટલમાંથી ચેક આઉટ કરીને ખાનગી બસમાં અમદાવાદ ખાતે પહોંચ્યાં હતાં, જ્યાં કાંકરિયા તળાવ ખાતે સાંજ સુધી ફર્યાં હતાં અને સાંજે ખાનગી બસમાં જયપુર જવા માટે રવાના થયાં હતાં. 27 એપ્રિલના રોજ સવારે જયપુર પહોંચ્યાં હતાં, જ્યાં જયપુરના હવા મહેલ સહિતની ફરવાનાં સ્થળો ખાતે સાંજ સુધી ફર્યાં હતાં. ત્યાર બાદ સાંજે ખાનગી બસમાં દિલ્હી જવાના રવાના થઈ ગયાં હતાં.
28 એપ્રિલના રોજ સવારે 9:00 વાગ્યા આસપાસ બંને દિલ્હી પહોંચ્યાં હતાં. દિલ્હી પહોંચીને રિક્ષા કરી બે કે ત્રણ બજારમાં ફર્યાં હતાં, જોકે ત્યાં કંટાળો આવતાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ ખાનગી બસમાં વૃંદાવન ગયાં હતાં. વૃંદાવન ખાતે વોટરપાર્કમાં મોજમસ્તી કરી હતી. ત્યાર બાદ નજીકમાં આવેલા મન મંદિરમાં પણ દર્શન માટે ગયાં હતાં.
રાત્રે 10 વાગ્યે જયપુર જવા રવાના થયાં હતાં. રાત્રે 2:00 વાગ્યે જયપુર પહોંચ્યાં બાદ એક હોટલમાં રાત્રિરોકાણ કર્યું હતું. ત્યાર બાદ ફરવામાં કંટાળો આવતાં ફરી ખાનગી બસમાં અમદાવાદ આવવા રવાના થયાં હતાં. આ દરમિયાન રાત્રે ચાર વાગ્યે આસપાસ આ બંનેને ચાલતી ખાનગી બસમાંથી રાજસ્થાન બોર્ડર પાસે પોલીસે પકડી પાડ્યાં હતાં.
શિક્ષિકાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે લગ્નની ઉંમર થઈ ગઈ હોવાથી પરિવાર તેને ઘરકામ બાબતે અવારનવાર ઠપકો આપતો હતો તો બીજી તરફ વિદ્યાર્થી દ્વારા પણ પોલીસને જણાવવામાં આવ્યું હતું કે પરિવાર દ્વારા તેને પણ ભણવા બાબતે અવારનવાર ઠપકો આપવામાં આવતો હતો. શિક્ષિકા તેમજ વિદ્યાર્થી બંને પરિવારના ઠપકાઓથી પરેશાન થઈ ગયા હોવાના કારણે બંને ફરવા ચાલ્યાં ગયાં હતાં
જોકે હાલ બંને વચ્ચે પ્રેમસંબંધ છે કે પછી અન્ય કોઈ કારણોસર બંને સુરતથી અન્ય જગ્યાઓ પર ચાલ્યાં ગયાં હતાં એ બાબત પર પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ બંનેના મેડિકલ ચેકઅપ પર કરાવવામાં આવ્યા છે, જેમાં પણ કંઈ સામે આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષિકાએ ઘરેથી ભાગવા માટેનો એક રીઢા ગુનેગારને શર્માવે એવો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે કામ કરતી માનસી બે વર્ષથી કોન્ટ્રેક્ટ પર કામ કરતી હતી. 21 એપ્રિલના રોજ કોન્ટ્રેક્ટ પૂર્ણ થયો હતો. ત્યાર બાદ તેણે ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. નવી સ્કૂલબેગની ખરીદી કરી હતી અને એક નવું સિમકાર્ડ પણ ખરીદી લીધું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીને બપોર વચ્ચે નીચે રમવા માટે કહ્યું હતું. ત્યાર બાદ શિક્ષિકા સોસાયટીમાં નીચે આવીને રમી રહેલા વિદ્યાર્થી સાથે ફરાર થઈ ગઈ હતી.
શિક્ષિકા ઘરેથી જ 35 હજાર જેટલા રૂપિયા સાથે લઈને આવી હતી. વિદ્યાર્થી પાસે કપડાં-શૂઝ ન હોવાથી પર્વત પાટિયા વિસ્તારની એક દુકાનમાંથી કપડાં સહિતનો સામાન ખરીદ્યો હતો અને આ સાથે જ એક ટ્રોલીબેગ પણ ખરીદી હતી. ત્યાર બાદ તે બંને રેલવે સ્ટેશન તરફ રિક્ષામાં આવ્યાં હતાં અને માનસીએ પોતાનો જે જૂનો નંબર હતો એને બંધ કરીને નવું સિમકાર્ડ મોબાઈલ ફોનમાં નાખી દીધું હતું. હોટલમાં રોકાણ કરતા સમયે શિક્ષિકા પોતાનું જ આધારકાર્ડ આપતી હતી. જ્યારે વિદ્યાર્થી અંગે તેનો માસીયાય ભાઈ એટલે કે પિતરાઈ ભાઈ હોવાનું જણાવતી હતી.