
શુક્રવારે કેદારનાથ ધામનાં કપાટ ખોલવામાં આવ્યાં. કપાટ ખૂલતાંની સાથે જ ભક્તોએ મંદિરની અંદર અખંડ જ્યોત સળગતી જોઈ. આ પછી રુદ્રાભિષેક, શિવાષ્ટક, શિવતાંડવ સ્તોત્ર અને કેદારાષ્ટકના મંત્રોના જાપ કરવામાં આવ્યા હતા. મંદિરમાં પહોંચનારા સૌપ્રથમ કર્ણાટકના વીરશૈવ લિંગાયત સમુદાયના મુખ્ય રાવલ ભીમાશંકર હતા. આ પછી 6 મહિના પહેલાં બાબાને અર્પણ કરાયેલો ભીષ્મ શ્રૃંગાર દૂર કરવામાં આવ્યો. તમે ભાસ્કર એપ પર કેદારનાથ ધામનાં લાઈવ દર્શન જોઈ શકો છો. મંદિરને 54 જાતનાં 108 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. એમાં નેપાળ, થાઈલેન્ડ અને શ્રીલંકા જેવા વિવિધ દેશોમાંથી લાવવામાં આવેલાં ગુલાબ અને ગલગોટાનાં ફૂલોનો સમાવેશ થતો હતો. પહેલા દિવસે લગભગ 1200 લોકો દર્શન માટે પહોંચ્યા. ભીડને નિયંત્રિત કરવા માટે ટોકન સિસ્ટમ દ્વારા દર્શન કરવામાં આવ્યાં હતાં. ભક્તો હવે આગામી 6 મહિના સુધી દર્શન કરી શકશે. જૂનથી ઓગસ્ટ દરમિયાન હવામાન સારું રહે છે, તો આ વખતે 25 લાખથી વધુ લોકો કેદારનાથ ધામ પહોંચે એવી અપેક્ષા છે. ચારધામ યાત્રા 30 એપ્રિલ (અક્ષય તૃતીયા)થી શરૂ થઈ છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખૂલી ગયા છે. બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખોલવામાં આવશે.