
કડાદરાની સગર્ભા મહિલાને ડિલેવરી માટે ઇમરજન્સી સેવા 108માં સિવિલ હોસ્પિટલ લઇ જતા હતા. ત્યારે સગર્ભા મહિલાને રસ્તામાં જ અસહ્ય પીડા ઉપડતા ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108ના ઇએમટીએ ઇઆરસીપી તબિબના માર્ગદર્શન હેઠળ મહિલાને એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલેવરી કરાવી હતી. ત્યારબાદ મહિલા અને બાળકને જરૂરી આરોગ્યલક્ષી સારવાર કરીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જિલ્લાના દહેગામ તાલુકાના કડાદરાની સગર્ભા મહિલાને ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સમાં ડિલેવરી કરાવાઈ હતી. આ અંગે ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સના જિલ્લા સુપરવાઇઝર દર્શિત પટેલે જણાવ્યું છે કે દહેગામ તાલુકાના કડાદરા ગામમાં રહેતા રામઅવતારભાઇની પત્નીને ડિલેવરીનો દુ:ખાવો ઉપડતા ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ઇમરજન્સી સેવા 108ના પાઇલોટ દલપતસિંહ સોલંકી અને ઇએમટી કિસ્મતસિંહ ચૌહાણ રામઅવતારભાઇના ઘરે જઇને સગર્ભા મહિલાને ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સમાં બેસાડીને દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલ ખાતે લઇ જતા હતા. ત્યારે રસ્તામાં જ સગર્ભા મહિલાને ડિલેવરીનો અસહ્ય દુ:ખાવો ઉપડતા ઇએમટીએ ઇઆરસીપી તબીબનું માર્ગદર્શન મેળવીને સગર્ભા મહિલાની તબિયતને જોતા એમ્બ્યુલન્સમાં જ ડિલેવરી કરાવવાની માર્ગદર્શન મળતા જ સગર્ભા મહિલાને ઇએમટીએ એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી હતી. મહિલાની નોર્મલ ડિલેવરી કરાવ્યા બાદ મહિલાને ઇન્જેક્શન તેમજ બોટલ ચડાવવામાં આવી અને બાળકને ઓક્સીજન સહિતની આરોગ્યલક્ષી નોર્મલ સારવાર આપીને મહિલા અને બાળકને દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોર્મલ ડિલેવરી બાદ માતા અને બાળક બન્ને સ્વસ્થ છે.