પહલગામમાં થયેલાં આતંકી હુમલા પછી કેન્દ્ર સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ પછી રાજ્ય સરકાર દ્વારા પણ ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપીને હાંકી કાઢવામાં આવ્યા છે. થોડાક દિવસ પહેલાં ગુજરાતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ પછી અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લિન સિટી કરવામાં આવ્યું હતું.
જેમાં ચંડોળામાં રહેતાં અને તેની આસપાસ બે દાયકાથી રહેતાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પછી તેમના રહેણાંકોને તોડી પાડવમાં આવ્યા છે. આ દરમિયાન ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થળની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી.
મહત્ત્વનું છે કે, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ચંડોળા તળાવ ખાતે ચાલી રહેલ ગેરકાયદેસર બાંધકામ ડિમોલિશનની કામગીરીની સમીક્ષા કર્યા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલ, અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-2 જયપાલસિંહ રાઠૌર તથા અન્ય ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એક-એક ગેરકાયદે વસેલા લોકોને પરત મોકલીશું. ભૂપેન્દ્રભાઈની (CM Bhupendra Patel) સરકાર નિયમો પ્રમાણે કામ કરી રહી છે અને તે મુજબ જ આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક જ સમયમાં ચંડોળા તળાવમાં ફરી પાણી ભરેલું દેખાશે.