આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કણઝટ ગામે લગ્ન પ્રસંગમાં જમવાની ડીશ મૂકવા બાબતે એક યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ખંભાત રૂરલ પોલીસે 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કણઝટ ગામમાં રહેતા કાંતિભાઈ ઠાકોરીની દીકરીના લગ્ન નિમિત્તે કરમસદથી જાન આવી હતી.
જ્યાં રાતના સમયે જમણવાર ચાલતો હતો. રાતે 11 વાગ્યાની આસપાસ મુકેશ ઠાકોરના ઘર નજીક ચારેક ઈસમો જમી રહ્યા હતા. આથી મુકેશભાઈએ તેમને જમ્યા પછી ડીશો ધોવાની જગ્યાએ મૂકી આવવા જણાવ્યું હતુ.
Anand: સોજીત્રા રોડ પર વિચિત્ર અકસ્માતમાં મહિલાનું મોત, ટ્રેલરમાંથી લોખંડનો રોલ ઉપર પડતાં જ પતિની નજર સામે જ પત્ની ચગદાઈ ગઈ
આથી જમી રહેલા ઈસમો પૈકી એક યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને મુકેશ ઠાકોરને કહેવા લાગ્યો હતો કે, ‘તમને ખબર છે, તમે કોની સાથે વાત કરો છો. હું વરરાજાનો મિત્ર બાકરોલનો હર્ષ ઠાકોર છું. હું ડીશ મૂકવા નહીં જઉં.’- આમ કહીને હર્ષે ડીશ ફેંકી દીધી હતી. આથી મુકેશભાઈએ હર્ષને સમજાવવાનો પ્રયાસ કરતાં તે ગાળો ભાંડવા લાગ્યો હતો. જેથી મુકેશભાઈએ જાનમાં આવ્યા હોય અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા હર્ષે પોતાની કમરમાંથી છરો કાઢીને મુકેશભાઈની પીઠમાં ભોંકી દીધો હતો.
જેના પરિણામે મુકેશ ઠાકોર લોહીલુહાણ હાલતમાં ત્યાંજ ફસડાઈ ગયા હતા. આ સમયે બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેથી હર્ષ સહિતની ટોળકી ભાગી છૂટી હતી. જે બાદ મુકેશ ઠાકોરને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખંભાતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો ખંભાત પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.