ગુજરાત : નવા શૈક્ષણિક વર્ષથી શાળાએ જવા માટે મફત વાહન સેવા! જાણો કયા વિદ્યાર્થીઓને થશે ફાયદો

Spread the love

 

  • 1.66 લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળશે
  • સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પરિવહન સેવાનો લાભ
  • ઘરથી 5 કિ.મી. કરતા વધુ દૂર આવેલી સ્કૂલ માટે પરિવહન યોજના

સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય પરિવહન સેવાનો લાભ આપવા માટે ગત વર્ષે 2024માં કરાયેલા ઠરાવ અંતર્ગત રાજ્યની પ્રાથમિક સ્કૂલો બાદ હવે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા 1.66 લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો લાભ મળશે.

શિક્ષણ વિભાગ દ્વારા આ વિદ્યાર્થીઓ પણ ઘરેથી સ્કૂલ જવા માટે પરિવહનની સેવાનો લાભ લઈ શકે તે માટે દરખાસ્ત મંગાવવાનું નક્કી કર્યું છે. જેમાં 7 મે સુધીમાં દરખાસ્ત મળ્યા બાદ 12 મે સુધીમાં મંજૂરીની કાર્યવાહીપૂર્ણ કરવામાં આવશે. વિદ્યાર્થીના ઘરથી 5 કિ.મી. કરતા વધુ દૂર આવેલી સ્કૂલ માટે પરિવહન યોજનાનો લાભ મળશે.

વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા આપવામાં આવેલી

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં શાળા સુધી મુસાફરી કરી શકે તે માટે વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા આપવામાં આવેલી છે. ઉપરાંત સરકારી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓને ઘરથી શાળા સુધીના અંતરના નિયમો મુજબ શાળા પરિવહનની સુવિધા નિયત સંખ્યાની મર્યાદામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

યોજનામાં ડુપ્લીકેશન ન થાય તે જોવાની જવાબદારી શાળાની

આ યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓની કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની તમામ પ્રકારની અન્ય યોજનામાં ડુપ્લીકેશન ન થાય તે જોવાની જવાબદારી શાળાની રહેશે. વિદ્યાર્થીના રહેણાંકથી 5 કિ.મી.થી વધુ અંતરે આવેલી સૌથી નજીકની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ ઉપલબ્ધ હોય અને તેવી શાળામાં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *