
રાજ્યમાં હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી. સોમવારે સવારે 6 વાગ્યાથી આજે (મંગળવાર) સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં એક મિમિથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તો આજે વહેલી સવારથી રાજ્યના કેટલાક જિલ્લામાં ફરીથી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે.
ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા હતા. અમદાવાદના મૂળિયાદ ગામે આશરે 100 જેટલા મકાનના પતરા ઉડયા હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે અજવાળું થતાની સાથે જ લોકોએ પોતાના ઘરમાં થયેલા નુકસાન સમારકામ શરૂ કર્યું. આશરે 50 કિલોમીટર વધુની ઝડપે પવન ફૂંકાતા જિલ્લામાં ઠેરઠેર તારાજી સર્જાય. સાથે વીરપુર તાલુકાના આસપુર ગામે એક કાચા મકાનની દિવાલ ધરાસાઈ થઈ હતી. મકાનમાં રહેતા સુમનબેન રયજીભાઈ ઠાકોરને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે. સ્થાનિકોએ મકાનનો કાટમાળ હટાવી મહિલાને સારવાર અર્થે ખસેડવા આવી છે.
ખેડા જિલ્લામાં વાવાઝોડાને પગલે જિલ્લાના નડિયાદ, મહેમદાવાદ અને ઠાસરા પંથકમાં મકાન, ઝાડ અને છત પડવાના બનાવને પગલે મહિલા સહિત 4 વ્યક્તિઓના મોત થયા, જ્યારે 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ ઉપરાંત મકાનનુ નુકશાન બાબતે 1 કિસ્સો સામે આવ્યો છે. આ ઉપરાંત પશુઓના પણ મોતના સમાચાર સામે આવ્યા છે. નડિયાદમાં પવન સાથે ત્રાટકેલા વાવાઝોડાથી મોટુ નુકશાન થયું, અનેક વૃક્ષો મુળીયા સાથે ઉખડી ગયા, વીજ પોલ પડી ગયા, વિજળી પુરવઠો ખોરવાયાની વ્યાપક ફરિયાદો ઉઠી. નડિયાદમાં રેલવે સ્ટેશનથી RTO તરફનો વન-વે રોડ પર વીજ પોલના વાયરો પડતા બંધ થઇ ગયો હતો. નડિયાદમાં ગતરોજ સોમવારે ઢળતી સંધ્યાએ આવેલા ભારે પવન સાથેના વાવાઝોડાએ તબાહી મચાવી છે. અંદાજે ત્રણ કલાક જેટલો સમય નડિયાદને ધમરોળ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદ એક અંદરે ઓછો હતો પરંતુ વાવાઝોડાના પગલે નડિયાદ શહેરમાં ઠેકઠેકાણે મોટુ નુકશાન થયું છે. છોટા ઉદેપુર જિલ્લામાં ગઈકાલે આવેલા વાવાઝોડામાં ઠેર ઠેર નુકસાન સામે આવી રહ્યા છે.
વૃક્ષો પડવા, મકાનના પતરા ઉડવા, ભેંસના મોત જેવી ઘટનાઓ સામે આવી છે. વિસનગરમાં વરસાદ થવાથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. વાહનોની લાંબી લાઈનો લાગી. જેથી વાહન ચાલકો પરેશાન થયા. કચ્છ રાપરના આડેસર ખાતે ગઈકાલે મોડી સાંજે આકાશી વીજળી ત્રાટકતા ચાર પશુઓના મોત થયા. સાથે સુરત શહેરના અડાજણ વિસ્તારની એક સોસાયટીમાં સોલાર પેનલ ઉડી, તેનો સીસીટીવી વીડિયો સામે આવ્યો. માણસાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના દરવાજા પાસે પાણી ભરાતા માણસથી ગાંધીનગર રોડ પર વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મહીસાગર જિલ્લામાં ગતરોજ વરસેલા વરસાદથી ખેતીના પાકો અને પશુઓ માટેના ઘાસચારાને નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં સૌથી વધુ ખાનપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેથી ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. જુવાર, બાજરી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં મોટો પાક હતો તે આડો પડી ગયો છે. ખાનપુર તાલુકાના ગાંગટા ગામે ખેતરોમાં ઉભો પાક આડો પડી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં મિની વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદના કારણે મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલો ફંગોળાઈને દૂર ફેંકાતા અગરીયા સમુદાયને ખુબ મોટુ નુકસાન પહોંચ્યું છે.
પાટણના હારીજના તળાવમાં ગત મોડી રાત્રે વરસાદી પાણી ભળતા અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા છે. માછલીઓના મોતથી આસપાસના વિસ્તારમાં દુર્ગધ આવતા સ્થાનિકો માછલીઓના મૃતદેહોના સત્વરે નીકાલની માંગ કરી રહ્યા છે. હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં ત્રિવેણી વિધાલય પાછળના ભાગે કેનાલ પાસે વીજ થાંભલા પાસે કરંટ લાગતા ગાયનું મોત થયું છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. એક તરફ મોતીપુરામાં ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને બીજી તરફ કમોસમી વરસાદનું પાણી ભરાતા અમદાવાદથી ઉદયપુર જતાં નેશનલ હાઈવે પર વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે લગ્ન પ્રસંગના રંગમાં ભંગ પાડ્યો છે. નવસારીમાં અચાનક કમોસમી વરસાદ આવતાં વરરાજાએ તાડપત્રીનો સહારો લેવો પડ્યો હતો. જોકે, જાનૈયાઓ વરસતા વરસાદમાં ડી.જે.ના તાલે ઝુમ્યા હતા. બનાસકાંઠા સરહદી પંથકમાં ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વાવના આછુવા ગામના ખેજૂત રમશ પરમારના ઘરના પતરા ઉડી જતાં એમની બધી ઘરવખરી પલળી ગઇ છે. જેને લઇને તેઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.
ભરૂચમાં ગતરોજ સાંજના સમયે આવેલા મિની વાવાઝોડામાં ભરૂચ અને દહેજને જોડતા હાઈવે પર કેસરોલ નજીક ભારે પવનના કારણે ટોલ પ્લાઝાનું લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું. જેના કારણે ટોલ કર્મીઓમાં દોડધામ મચી ગઇ હતી. જેનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જ્યારે બીજા એક વીડિયોમાં મકાનના પતરા પણ ઉડતા દેખાય છે. મહેસાણા જિલ્લામાં ભારે પવનના કારણે પડેલા કમોસમી વરસાદમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે જિલ્લામાં 1 મિમીથી લઇને સરેરાશ 1 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. તાલુકા વાઇઝ આંકડા પર નજર કરીએ તો જિલ્લના જોટાણામાં 31 મિમી, મહેસાણા શહેરમાં 28 મિમી, કડીમાં 27 મિમી, વિજાપુરમાં 21 મિમી, બહુચરાજીમાં 15 મિમી, વિસનગરમાં 09 મિમી, વડનગરમાં 05 મિમી, ઊંઝામાં 01 મિમી, ખેરાલુમાં 01 મિમી અને સતલાસણામાં 01 મિમી કમોસમી વરસાદ પડ્યો છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, પાકિસ્તાન પર બનેલું સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે. અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, એટલે ગુજરાતના મિડ લેવલ ઉપર 700 HPA લેવલે ખૂબ અસ્થિરતા જોવા મળી રહી છે અને આ અસ્થિરતાના કારણે હજુ આવનારા 3થી 4 દિવસ સુધી રાજ્યમાં અનેક જગ્યાએ ભારે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં સરેરાશ 1 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં તાલુકા વાઇઝ નજર કરીએ તો અંકલેશ્વરમાં 6 મિમી, આમોદમાં 2 મિમી, જંબુસરમાં 9 મિમી, ઝઘડિયામાં 3 મિમી, નેત્રંગમાં 5 મિમી, ભરૂચમાં 3 મિમી, વાગરામાં 7 મિમી, વાલિયામાં 5 મિમી અને હાંસોટમાં 15 મિમી કમોસમી વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી સાંજથી વાવાઝોડા ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જિલ્લાના 8 માંથી 6 તાલુકામાં 3થી 21 મિમી સુધી કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં વિજયનગરમાં 03 મિમી, વડાલીમાં 12 મિમી, ઇડરમાં 04 મિમી, હિંમતનગરમાં 19 મિમી, પ્રાંતિજ 21 મિમી અને તલોદમાં 15 મિમી કમોસમી વરસાદ નોંધાયો છે.
સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો. પવનના કારણે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા. જેમાં વડોદરામાં ત્રણ લોકોનાં, અરવલ્લીમાં બે લોકોનાં અને અમદાવાદમાં એકનું મળી ખુલ 6 લોકોના મોત નિપજ્યા હતા. સોમવારે સાંજે જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે અનેક શહેરોમાં સાંજના સમયે લગ્નપ્રસંગો અને રિસેપ્શન ચાલી રહ્યા હતા. ભારે પવન ફૂંકાતા અનેક શહેરોમાં મંડપ ઉડ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. અરવલ્લીના બાયડમાં તો તોફાની પવનના કારણે વરવધૂ સહિતના લોકોએ મંડપ છોડીને નીકળી જવું પડ્યું હતું. જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં હાલ આંબા પર કેરીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે. એવા સમયે જ ભારે પવન અને કરા વરસતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરી ઉપરાંત ડાંગર સહિતના પાકને પણ નુકસાન જવાની ભીતિ હોય ખેડૂતો ચિંતિત બન્યા છે.