
બોપલમાં થયેલ પ્રિયાંશુ હત્યા કેસમાં પોલીસે 62 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી વિરેન્દ્રસિંહ હત્યા કરીને ઘરે ગયો હતો, જે બાદ પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો છે કે કેમ તે ચેક કરવા માટે તે જ કાર લઈને બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં જમા થયેલા વાહનો સહિતના મુદ્દામાલમાં હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી નાખીને ફરાર થઈ ગયો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
માઈકાના 23 વર્ષીય વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરનાર આરોપી વીરેન્દ્રસિંહ પઢેરિયાએ હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. હત્યા કર્યા બાદ મોડી રાત્રે તે જ કાર લઈને બોપલ પોલીસ સ્ટેશન પાસે ગયો હતો. પોલીસ સ્ટેશનની બાજુમાં પોલીસ દ્વારા જમા કરાયેલ મુદ્દામાલમાં હત્યા કરેલી છરી નાખીને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનુ પણ સામે આવ્યું છે. હત્યાના ત્રણ દિવસ બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે વિરેન્દ્રસિંહ પઢેરિયાને પંજાબથી લાવી હતી. આ કેસમાં પોલીસે 40 નિવેદન નોંધ્યા હતા અને 200 સીસીટીવી કેમેરાની તપાસ કરતા હેરિયર કારની માહિતી મળી હતી. જે બાદ સ્કેચ બનાવી આરોપીને પકડવામાં આવ્યો હતો. પોલીસે 10 ફેબ્રુઆરીએ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. સાથે પોલીસ દ્વારા એફ એસ એલમાં મોકલવામાં આવેલ છરીનો રિપોર્ટ પણ આવી ગયો છે અને આરોપી વિરેન્દ્રસિંહની ફિંગર પ્રિન્ટ તથા છરી પર પ્રિયાંશુ બ્લડ સેલ મળી આવ્યા છે જેથી તે જ છરીથી વીરેન્દ્રસિંહે પ્રિંયાશુની હત્યા કરી હોવાનું પણ પુરવાર કર્યું છે.
પોલીસે સીસીટીવી ચેક કરતા શંકાસ્પદ હેરિયર મળી હતી, બોપલ તથા આસપાસના વિસ્તારમાં કેટલા લોકો પાસેથી હેરિયર કાર છે તેનું લિસ્ટ હેરિયર કંપની પાસેથી મંગાવ્યુ હતું. કારને મોડીફાય કરાઈ હોવાની માહિતી મળતા પોલીસે 40 ગેરેજમાં પણ પૂછપરછ કરી હતી. બોપલમાં માઈકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન 10 નવેમ્બરએ રાત્રે બાઈક લઈને તેના મિત્ર સાથે કેક લેવા ગયો હતો. પરત હોસ્ટેલ ફરતી વખતે હેરિયર કાર લઈને આવેલા વિરેન્દ્રસિંહ પઢેરિયા સાથે સામાન્ય ઝઘડો થતાં વિરેન્દ્રસિંહે 200 મીટર સુધી પ્રિયાંશુનો પીછો કરી હત્યા કરી હતી. બોપલમાં કાર ધીમે ચલાવવાનું કહેતા માયકાના વિધાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેનાર આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયાને જામીન પર મુકત કરવામાં આવશે તો તે નજરે જોનાર સાક્ષી અને ફરિયાદીને સમાધાન કરવા દબાણ કરી શકે છે. આરોપી ગુનાહિત ટેવ ધરાવતો હોવાથી તેને જામીન પર મુકત નહી કરવા માટે પોલીસે કોર્ટમાં સોગંદનામુ કર્યુ હતું. આ જામીન અરજીમાં દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ડિસ્ટ્રીક સેશન્સ જજ મંગળવારે જામીન અરજીનો ચુકાદો સંભળાવશે.