
પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસે અમદાવાદ સહિતના શહેરોમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના ચંડોળા વિસ્તાર જે ‘મિનિ બાંગ્લાદેશ’ તરીકે ઓળખાય છે ત્યાં ઐતિહાસિક ડિમોલીશન કાર્યવાહી હાથ ધરી 4000 જેટલા ગેરકાયદે મકાનો તોડી પાડ્યા હતા. જેમાં કેટલાક ભારતીયો પણ બેઘર થયા હોય કોંગ્રેસ તેઓની વ્હારે આવી છે અને તેઓને આશરો આપવાની માગ કરી છે. સાથે કોંગ્રેસે ચંડોળાના મુખ્ય સૂત્રધારને લઈ ભાજપ પર મોટો હુમલો કર્યો છે. લલ્લા બિહારી સામે વર્ષ 2021 અને 2023માં સ્થાનિક કોર્પોટેરરે રજૂઆત કરી હોવા છતાં તંત્રએ કામગીરી ન કરી હોવાનો આક્ષેપ કરાયો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિ ગોહિલ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ચંડોળાનો મુખ્ય સૂત્રધાર ચૂંટણી સમયે કોંગ્રેસ વિરુદ્ધ કામ કરતો હતો જેથી ભાજપને તેનું સંરક્ષણ હતું. આતંકી ઘટનાના ગણતરીના કલાકોમાં જ બાંગ્લાદેશીઓ મળી આવતા તેને લઈને પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ પણ દેશમાં પરદેશી વ્યક્તિ બિનઅધિકૃત રીતે રહે તો આંતરિક સુરક્ષા માટે અને દેશ માટે મોટું જોખમ ઊભું થતું હોય છે. સરકાર બિનઅધિકૃત વ્યક્તિને બહાર ફેંકે તેને સંપૂર્ણ સમર્થન છે. કાશ્મીરમાં નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા જે ઘટના બાદ કલાકોમાં જાદુઈ છડીને જેમ 180 બાંગ્લાદેશીઓને પકડ્યા છે. ત્યારે મારો સવાલ છે કે આપણા લોકો શહીદ થાય અને મૃત્યુ પામે ત્યારબાદ ગણતરીના લોકોને પકડે છે, એટલે કે તંત્રને જાણ હતી કે અહીંયા બાંગ્લાદેશી રહેતા હતા. આ માટે કોણ જવાબદાર? વર્ષોથી ભાજપનું શાસન છે .બાંગ્લાદેશી લોકો અહીંયા પહોંચ્યા તેની તપાસ ન થઈ. સરકાર કડક પગલા લે અમે સરકારની સાથે છીએ. આતંકવાદની ઘટના બાદ કલાકોમાં બાંગ્લાદેશી કેમ પકડાયા છે. થોડા કલાકમાં પકડ્યા એટલે તમને અગાઉથી જાણ હતી. આટલા રાજ્યો પસાર કરીને અહીંયા કેવી રીતે આવ્યા? શક્તિસિંહ ગોહિલ વધુમાં જણાવ્યું હતું કે, ચંડોળાનો જે મુખ્ય સૂત્રધાર છે તે ચૂંટણી સમયે કોંગ્રેસ વિરુદ્દ કામ કરતો હતો જેથી ભાજપનું તેને સંરક્ષણ હતું. વિરોધ પક્ષના નેતાએ 2021માં પત્ર લખ્યો હતો કે, મુખ્ય સૂત્રધાર(લલ્લા બિહારી) ગેરકાયદેસર દબાણ કરે છે છતાં પગલા ન લીધા. 2023માં નામ જોગ ફરિયાદ કરી છતાં પગલા ન લીધા.રાજકીય ફાયદા માટે ભાજપ ગુંડાઓને છાવરે છે.
ગરીબ લોકોના ઘર પર બુલડોઝર ચઢાવ્યું છે. લાઇટ,પાણી કાપીને અમાનવીય કૃત્ય છે. અમાનવીય કૃત્યને રોકવાની જવાબદારી સરકારની છે. રાતોરાત બિલ્ડિંગ બન્યા હતા? ભાજપનું કોર્પોરેશન, રાજ્યમાં સરકાર અને કેન્દ્રમાં સરકાર છે. તળાવમાં જે મકાન બન્યા તે જોવાની જવાબદારી અધિકારીઓ હતી તેમને ધ્યાન ન રાખ્યું. જેને જીંદગીની મૂડીને નાખીને ઘરનો આસરો બનાવ્યો તે તોડી નાખ્યો. હપ્તા,પૈસા અને મત લઈને જે તે સમયે બનાવવા દીધું ત્યારે ન રોક્યા. દેવી દેવતાઓના ફોટા લઈને બેઠેલા હિન્દુઓ છે, દલિત પણ છે તો કોઈ મુસ્લિમ છે. તમામ ધર્મ અને જાતિના લોકો ત્યાં છે. તેમણે ન્યાય મળે તે જરૂરી છે. આ મકાન બન્યા ત્યારે ભાજપ જવાબદાર હતી. SCની ગાઇડલાઇન છે કે રહેણાંકની આસરો તોડવો નહી. રહેણાંકનો આસરો તોડતા અગાઉ નોટિસ, વૈકલ્પિક વ્યવસ્થા અને અન્ય જગ્યા આપવાની હોય છે. અમારી માંગ છે કે ગરીબ લોકોની તોડફોડ કરતા અગાઉ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવું. પાણી કે લાઇટ કાપ્યા હોય તો તાત્કાલિક જોડાણ કરી આપવા. ન્યાય માટે પીડિત લડવા માંગતા હશે તો સુપ્રીમ કોર્ટ સુધી અમારાથી થતી મદદ કરીશું.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ચંડોળા તળાવમાં 50 વર્ષથી વધુ સમયથી લોકો રહે છે. એક ધર્મના નહીં અલગ અલગ ધર્મના લોકો રહે છે. વર્ષોથી અપ્રચાર ચાલતો હતો. મિનિ બાંગ્લાદેશનું નામ ચાલી રહ્યું છે. પોલીસે પકડ્યા તેમાંથી 90 લોકો જ બાંગ્લાદેશી મળી આવ્યા છે. બાકીના તમામ ભારતીય છે. બાંગ્લાદેશી ભાડાના મકાનમાં રહેતા હતા. બીજા ભારતીયો રહે છે જેમની પાસે ભારતના ડોક્યુમેન્ટ છે. પુરાવાના આધારે 90 ટકા લોકોને પોલીસે છોડી દીધા હતા. ગેરકાયદેસર બાંધકામ નોટિસ આપ્યા વિના તોડી નાખ્યું. બાંગ્લાદેશી સામેની ડ્રાઇવના નામે ભારતીયોના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે. ચંડોળા તળાવ ફરતે બંને ધર્મના લોકો રહે છે. AMCની 2010ની પોલિસી મુજબ જે મકાન તૂટ્યા હોય તેને મકાન આપવા જોઈએ. સરકારે સર્વે કરવો જોઈએ. સાબરમતી રિવરફ્રન્ટ પર પણ નદીમાં મકાન હતા ત્યારે હાઈકોર્ટ મકાન આપવા હુકમ કર્યો હતો. તમામ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાન આપવા જોઈએ.
કોર્પોરેશન મીડિયાને ગેરમાર્ગે દોરે છે. ચંડોળા તળાવમાં 2009માં AMC એ સર્વે કર્યો હતો.AMC એ સર્વે કર્યો હોવા છતાં ગેરકાયદેસર રહેતા હોવાનું કહીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. AMC મકાન નહીં આપે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. અત્યારે ચૂંટણીની કોઈ પ્રક્રિયા ચાલતી નથી. બુલડોઝર ફેરવ્યા બાદ ચૂંટણી પંચ જાગી ગયું છે. ચૂંટણી પંચે ચંડોળા તળાવના દબાણ પર રિપોર્ટ માંગ્યો છે. ક્યાં મતદારો ઓછા થયા તે જાણવા માંગે છે. અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, પોલીસની નિયમિત રેડ ચાલુ જ હોય છે. આટલી રેડ બાદ બાંગ્લાદેશી કેવી રીતે આવી જાય છે. દેશના નાગરિકો છે તેમના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવે છે. ભાજપ હંમેશા મોઘવારી,બેકારી દૂર નહીં કરે પરંતુ ગરીબોને દૂર કરશે.આટલી ગરમીમાં નિર્દોષ લોકોના ત્યાં લાઇટ અને પાણી કાપી નાખ્યા છે. કાયદાકીય લડત અને આંદોલન કરીશું.