
ગાંધીનગર – અમદાવાદ હાઈવે ઉપર કોબા સર્કલ પાસે આજે સોમવારે વહેલી સવારે એક કાર ચાલક દ્વારા નશો કરેલી હાલતમાં કાર હંકારી ટેમ્પાને અડફેટમાં લેતા પલટી ગયો હતો. ટેમ્પોમાં સવાર બે વ્યક્તિઓને ઇજાઓ થતા સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પાટનગરના પહોળા માર્ગો ઉપર નશો કરીને વાહન ચલાવતા શખ્સો દ્વારા અકસ્માત કરવામાં આવી રહ્યા હોવાના બનાવો વધી રહ્યા છે. પોલીસ દ્વારા સતત ડ્રીન્ક એન્ડ ડ્રાઇવના કેસ કરવામાં આવી રહ્યા છે. છતા બનાવો ઓછા થતા નથી. ત્યારે ગાંધીનગર નજીક કોબા સર્કલ પાસે આજે સોમવારે હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. અમદાવાદના નવા નરોડા ખાતે પાર્શ્વનાથ ટાઉનશિપમાં રહેતા અને રમકડાનો વેપાર કરતા ગુલાબભાઈ લાલચંદ્ર લાલવાણી ગઈકાલે તેમના મિત્ર મહેન્દ્રભાઈ ભીમાજી સરગરા સાથે લોડિંગ રિક્ષા લઈને કોલવડા ખાતે મેળામાં રમકડાનો વેપાર કરવા માટે આવ્યા હતા. જ્યારે વેપાર કરીને આજે સોમવારે વહેલી સવારે તે નરોડા પરત જવા માટે નીકળ્યા હતા. ગાંધીનગર અમદાવાદ હાઈવે ઉપરથી લોડીંગ રીક્ષા લઈને જઈ રહ્યા હતા. તે સમયે કોબા સર્કલ પાસે નશો કરીને કાર હંકારી રહેલા કાર ચાલકે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટેમ્પોને ટક્કર મારી દીધી હતી.