
કલોલ તાલુકાના બોરીસણામાં મકાન ખાલી નહીં કરનાર પુત્ર ઉપર માતાએ લાકડી ફટકારી હુમલો કર્યો હતો અને પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો બનાવ કલોલ તાલુકા પોલીસમાં નોંધાયો છે. તેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે કલોલના બોરીસણામાં આવેલી સંકલ્પ રેસીડેન્સીમાં રહેતા કેયુર દિપકકુમાર જાની અને તેમની માતા શિલ્પાબેન વચ્ચે મકાન ખાલી કરવા બાબતે છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તે અંગે શિલ્પાબેન (પાંચ હાટડી બજાર, કલોલ)એ તેમના પુત્ર કેયુરને મકાન ખાલી કરવા જણાવ્યું હતું. તેમ છતાં કેયુર મકાન ખાલી કરી આપતો ન હતો. જેથી કંટાળી ગયેલા શિલ્પાબેન પુત્ર કેયુર ઉપર ગુસ્સે ભરાયા હતા અને તેમણે લાકડી વડે કેયુર પર હુમલો કરી તેના હાથ પર ઈજા પહોંચાડી હતી. તેમણે કેયુરને મકાન ખાલી કરવા દબાણ કરતા કહ્યું કે, આ મકાન મારું છે. સાથે જ તેમણે કેયુરને ધમકી પણ આપી હતી.