ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં બ્લાસ્ટ

Spread the love

 

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. પહેલગામમાં આંતકી હુમલાનો ભારતે પણ વળતો જવાબ આપ્યો છે. ત્યારે આજે સવારે કચ્છના સરહદીય વિસ્તારમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે કચ્છના સરહદીય વિસ્તારમાં આવેલા ખાવડાના પંથકમાં શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ અને આર્મીને જાણ થતા ડ્રોનની તપાસ હાથ ધરી છે. ખાવડા નજીક એક શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાતા વિસ્ફોટ થયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ખાવડા સરહદી વિસ્તારમાં સવારે 6 વાગ્યે બની હતી. પોલીસ અને વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે. ત્યારે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. ડ્રોન સરહદ પારથી આવ્યું છે કે નહીં તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધારી દીધી છે અને સરહદ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીએસએફ, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સરહદ નજીકના સંવેદનશીલ ગામોમાં તહેનાત કરવામાં આવી છે. ભુજ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે અને મહત્વના રસ્તાઓ પર ચેકપોસ્ટ ઉભી કરીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કચ્છના સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે. તપાસ એજન્સીઓ ડ્રોનની ટેકનોલોજી અને તેના ઉદ્ગમ સ્થાનનો પત્તો લગાવવા માટે પ્રયાસ કરી રહી છે. આ ઘટના પાછળ કોઈ આતંકવાદી કાવતરાનો હાથ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી સરહદ પરનો તણાવ વધી શકે છે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *