
રાજ્ય સરકારે અમલી બનાવાયેલા મેદસ્વિતા મૂક્ત ગુજરાત અભિયાન હેઠળ મહાનગરપાલિકા દ્વારા 11મી મેના રોજ નાઇટ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં રાત્રિના સમયે સાયકલ રેલી યોજાશે. જેમાં મહત્તમ લોકોને જોડવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મૂક્ત ગુજરાત અભિયાન હેઠળ સીએમ ભૂપેન્દ્ર પટેલની સૂચનાના પગલે 11મીએ 17 મહાનગરપાલિકાઓ અને 53 શહેરોમાં નાઇટ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકો સુધી આ અભિયાનનો સંદેશો પહોંચાડવા અને લોક જાગૃતિ લાવવા આ કાર્યક્રમ યોજનાર છે. જેના આયોજન અને મહત્તમ લોકો જોડાય તે માટેની તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં અને મ્યુનિસિપલ જે.એન. વાઘેલાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં સાયક્લોથોનના રૂટ અને સમગ્ર આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. નાઇટ સાયક્લોથોનમાં સંસ્થાઓ અને લોકોની સહભાગિતા વધે તે મામલે પણ ચર્ચા કરાઇ હતી.