સોલાર એનર્જી પાર્કના પાંચ હજારથી વધુ શ્રમિક વતનભણી

Spread the love

 

સુમરાપોર-પચ્છમ, (તા. ભુજ), તા. 9 : એશિયાનો સૌથી મોટો આકાર પામી રહેલો સોલાર પાર્ક એટલે પચ્છમના રણમાંનો અદાણી આર.ઇ. પાર્ક જેમાં વિવિધ કંપનીના અલગ-અલગ ફેસ અને વિભાગમાં કામ કરવા રાજ્ય અને રાજ્ય બહારથી અનેક શ્રમિકો પરિવાર સાથે રોજીરોટી મેળવી રહ્યા છે. હાલ સંભવિત યુદ્ધના ભણકાર તેમજ કમોસમી વરસાદનાં પગલે વિવિધ સાઇટોમાં પાણી ભરાતાં તમામ શ્રમિકોને પાર્ક છોડવા આદેશ થતાં સવારથી જ કોટડા ચેકપોસ્ટથી ખાવડા સુધી વતન જવા માટે હાથવગાં વાહનોમાં ચડવા લાંબી કતારો લાગી હતી.

રોજીરોટી છીનવાયાનું દુ:ખ શ્રમિકો અને તેમના પરિવારની આંખોમાં દેખાતું હતું. સરહદી પચ્છમ વિસ્તાર- અફાટ વેરાન રણવિસ્તારમાં અદાણી આર. ઇ. પાર્કમાં હજારો શ્રમિકો કામ કરીને ગુજરાન ચલાવતા હતા, જેથી વેરાન રણ આવા શ્રમિકો માટે આશીર્વાદરૂપ હતું પરંતુ એક બાજુ રણ વિસ્તારના પટ્ટામાં કમોસમી વરસાદ અને વળી સંભવિત યુદ્ધના ભણકારા વચ્ચે આજ સવારથી અદાણીના આર.

ઈ. પાર્કના તમામ ફેસ, ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અનેક રાજ્યોના પરપ્રાંતીય મજૂરો અદાણી સોલાર એનર્જી પાર્કમાં પાંચેક હજારથી વધુ લોકો પોતાના પરિવાર, બાળ-બચ્ચાંઓ સાથે રોજગારી મેળવી રહ્યા હતા. આ તમામ શ્રમિકોને અદાણી સોલાર એનર્જી પાર્ક છોડવા આદેશ થતાં સવારથી આ શ્રમિકોની લાંબી લાઇનો કોટડા એન્ટ્રી ચેકપોસ્ટથી ખાવડા સુધી હતી. સવારની પહોરમાં કોટડા ચેકપોસ્ટની આજુબાજુ હોટેલો, રેસ્ટોરન્ટવાળાઓએ આવા શ્રમિકોના નાનાં બાળ-બચ્ચાંઓ માટે નિ:શુલ્ક ચા-પાણી, બિસ્કિટની વ્યવસ્થા કરી હતી, તો હોટેલોના પાણીના ટાંકાઓમાં મજૂરોને નાહવા, કપડા ધોવા માટેની વ્યવસ્થા કરાઇ હતી.

`કચ્છમિત્ર’ને આવા શ્રમિકોએ જણાવ્યું હતું કે, કોઇને આ બોર્ડરમાં માત્ર 6થી 7 દિવસ થયા છે કામ પર આવ્યા અને નાનાં બાળકો હવે રખડી પડયાં છે. યુદ્ધ વિશેની વાતમાં શ્રમિકોએ જણાવ્યું હતું કે, અમે અમારા વતનમાં સહી સલામત પહોંચી જઇએ તો સારું, રામ જાણે શું થાશે ? સવારથી અદાણી સોલાર એનર્જી પાર્ક મજૂરોથી ધમધમી ઊઠયો હતો. છકડાઓ, બોલેરો, જીપ, લકઝરી, ટેમ્પો, બસ ને વળી ડમ્પરો જે ગાડી મળી તેમાંથી પોતાનો સરસામાન નાખી વતન ભણી રવાના થયા હતા. સૌના ચહેરા પર એક સંભવિત યુદ્ધની આશંકા અને રોજગારી છીનવાઇ ગઇ હોવાનો વસવસો સાફ દેખાઇ રહ્યો હતો. સવારની પહોરથી ખાનગી ગાડીઓ ભરીભરીને રવાના થઇ હતી જે હજારો મજૂરવર્ગ માટે વેરાન રણ રોજગારીનું માધ્યમ બન્યું હતું તે ફરી છીનવાઇ જતાં આ વર્ગ ચિંતિત બન્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *