નકલી ACB PIની ઓળખ આપનાર ઝડપાયો:
ગાંધીનગરમાં નિવૃત્ત ASIનો પુત્ર GPSC ચેરમેન સાથે સેટિંગનો દાવો કરી તોડ કરતાં પકડાયો

ગાંધીનગર
ગાંધીનગરમાં એક વ્યક્તિને પોલીસે ઘ-0 બ્રિજ નીચેથી ઝડપી લીધો છે. આરોપી પોતાની ઓળખ ACB PIના રૂપમાં આપી GPSC ચેરમેન અને કલેકટર સાથે સેટિંગ હોવાનો દાવો કરી 25 હજારનો તોડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સાબરકાંઠાના તલોદના પત્રકાર રાકેશભાઈ શાહની દીકરી સ્વાતિને 19 એપ્રિલે રાહુલ પટેલ નામની વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. આરોપીએ પોતાની ઓળખ PSI તરીકે આપી GPSC પરીક્ષામાં પાસ થવા માટે મદદની ઓફર કરી હતી. તેણે સ્વાતિની માતાને પણ મેસેજ કરી GPSC ચેરમેન હસમુખ પટેલ સાથે સેટિંગ હોવાનો દાવો કર્યો હતો.
પત્રકાર રાકેશકુમારે આરોપી સાથે વાતચીત કરતાં તેણે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં સેટિંગની વાત કરી. પોતે ACB PI કે.ડી. પટેલ હોવાનું જણાવી 25 હજારની એડવાન્સ માંગણી કરી હતી. શંકા જતાં રાકેશકુમારે પોલીસને જાણ કરી આરોપીને ઘ-0 સર્કલ બ્રિજ પર બોલાવ્યો હતો. પોલીસે વોચ ગોઠવી આરોપીને પકડી લીધો હતો. સેક્ટર-7 PI બી.બી. ગોયલના જણાવ્યા મુજબ, આરોપીનું સાચું નામ સોયબહુસેન ગુલામહુસેન શેખ છે. તે અમદાવાદના રખિયાલમાં રહે છે અને તેના પિતા નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે. આ મામલે સેક્ટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.