ઘણી વાર સારું કરવા જતાં કંઈક અવળું થઈ જાય છે. ટર્કીના લીજેહ શહેરની પોલીસથી પણ આવું જ કંઈક થયું હતું. સ્થાનિક પોલીસે એન્ટિ-ડ્રગ ઓપરેશન અંતર્ગત ઠેર-ઠેર ઉગાડેલો અને સંઘરાયેલો ગાંજો જપ્ત કર્યો હતો. ૨૦૨૩ અને ૨૦૨૪માં પોલીસે લગભગ વીસ ટન જેટલો ગાંજો પકડયો હતો. જોકે આ ડ્રગનો નિકાલ યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો મુશ્કેલી થશે એવું પોલીસે વિચાર્યું જ નહોતું. પોલીસને લાગ્યું કે આ ગાંજાને જાહેરમાં એવી રીતે સળગાવવો જેથી ગેરકાનૂની કામ કરનારા સૌની આંખ ખૂલે ચૂપચાપ શહેરની બહાર એનો નિકાલ કરવાને બદલે પોલીસે શહેરની વચ્ચોવચ આવેલા ગ્રાઉન્ડમાં ગાંજો બાળ્યો હતો અને એને કારણે જે લોકોના નાકમાં ગાંજાનો ધુમાડો ગયો તેમને નશાની અસર થવા માંડી હતી.
અધૂરામાં પૂરું, ૨૦,૦૦૦ કિલો ગાંજો હોવાથી એને બળવામાં પણ ખૂબ સમય લાગ્યો હતો. પૂરા પાંચ દિવસ સુધી એ આગ ચાલી અને પાંચ દિવસ સુધી લોકોએ ઘરમાં બારી-બારણાં બંધ કરીને ભરાઈ રહેવું પડ્યું. જેમણે બારીઓ ખોલીને બહારનો શ્વાસ હવામાં લીધો તેમને ગાંજાનો નશો થઈ ગયો હતો. બાળકોથી લઈને મોટેરાઓ સુધીના લગભગ ૨૫,૦૦૦ લોકો ગાંજાના નશાને કારણે અર્ધભાનાવસ્થામાં જતા રહ્યા હતા. લોકોને ઊબકા, ઊલટી, માથું દુખવું અને પેટમાં આંટી ચડવા જેવી આડઅસરો થવા માંડી હતી.