અમદાવાદના શાહીબાગ આવેલી GGI કેન્ટોનમેન્ટ સ્કૂલ ફી મામલે વિવાદમાં આવી છે. એડમિશન સમયે ફીમાં ભણાવવાની વાત થયા બાદ હાલમાં સ્કૂલ દ્વારા એકાએક ફી માંગતા વાલીઓએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. વાલીઓનો આક્ષેપ છે કે, સ્કૂલ દ્વારા ફી ન ભરવાથી 150 જેટલા વિદ્યાર્થીના પરિણામ અટકાવવામાં આવ્યા છે. આ મામલે સ્કૂલના પ્રન્સિપાલે જણાવ્યું કે, મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવશે. સામાજીક કાર્યકર તુષાર પરમારે જણાવ્યું હતું કે, GGI સ્કૂલમાં શરૂઆતથી ક્યારેય ફી લેવામાં આવતી નહોતી. પરંતુ શનિવારે પરિણામ આપવાનું હોવાથી સ્કૂલ દ્વારા શુક્રવારે વાલીઓને મેસેજ કરીને 6000 રૂપિયાની ફી માંગવામાં આવી હતી. વાલીએ જ્યારે એડમિશન લીધું ત્યારે ફ્રીમાં ભણાવવા અંગેની વાતચીત થઈ હતી. પરંતુ હવે અચાનક ફી માંગતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્કૂલની ફી ભરો તો જ પરિણામ આપીશું તેવી મનમાની સામે અમે પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ. સ્કૂલના પ્રિન્સિપાલ નરેશ રાવતે જણાવ્યું હતું કે, સ્કૂલમાં શરૂઆતથી ફી લેવામાં આવતી નહોતી. પરંતુ એફઆરસી દ્વારા ત્રણ વર્ષ અગાઉ સ્કૂલની મંજૂર કરવામાં આવી છે, જેથી સ્કૂલ દ્વારા 6000 ફી લેવામાં આવે છે. વાલીઓને ફી ભરવી નથી, તેથી તેઓ ફી માફી માટે અરજી કરી રહ્યા છે. આ અંગે મેનેજમેન્ટને જાણ કરવામાં આવી છે અને મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવશે.