અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતું રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેના માસી પર હુમલો કરી દેતા બાળકીનું મોત નિપજ્યું છે. જ્યારે માસીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સોસાયટીના પાર્કિંગમાં બનેલી આ હચમચાવી નાખતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જે પણ સામે આવ્યા છે. ભૂતકાળમાં આ શ્વાને અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હોવાનું અને સોસાયટીએ આ બાબતે વાંધો રજૂ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ચાર મહિનાની બાળકીના મોત બાદ તેના પરિવારજનો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને શ્વાનના માલિક સામે કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે.
બાળકી પર જે શ્વાને હુમલો કર્યો હતો તે શ્વાનનું AMCમાં રજિસ્ટ્રેશન પર કરાવાયું ન હોવાનું સામે આવ્યું છે. AMCનો CNCD વિભાગ શ્વાનનો કબજો લઈ વેલનેસ સેન્ટરમાં રાખશે અને હેલ્થ રિપોર્ટ કરશે. રાતના સમયે વિપુલ ડાભીની ચાર મહિના અને 17 દિવસની ઋષિકા નામની બાળકીને લઈને માસી આંટો મારવા નીકળી હતી. આ દરમિયાન ફ્લેટમાં રહેતી યુવતી તેની સાથે પાલતું રોટવીલર બ્રિડનું શ્વાન લઈને નીચે આવી હતી. આ દરમિયાન રોટવીલર હાથમાંથી છટકી ગયું અને બાળકી તથા તેના માસી પર હુમલો કર્યો હતો. એમાં બાળકી તેના માસીના હાથમાંથી છટકીને નીચે પડી ત્યારે રોટવીલરે બાળકીને ફાડી ખાધું હતું. આ અંગે સોસાયટીના રહીશોમાં પણ રોષ જોવા મળ્યો છે. આ મામલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે.
સોસાયટીના સભ્યોએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, જેમાં જણાવ્યું છે કે રાત્રે રેસિડેન્સીમાં ગઈકાલે રાત્રે 9:00 વાગ્યાથી 9:30 વાગ્યા દરમિયાન શ્વાન કરડવાના કારણે નાની બાળકી જે G 205માં રહે છે તેનું મૃત્યુ થયું છે. સોસાયટીમાં કૂતરાનો વધારે ત્રાસ હોવાથી એના પર કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી છે. અગાઉ પણ કૂતરાને કારણ સોસાયટીના ઘણા સભ્યોને ખૂબ જ હેરાનગતિ થઈ હતી. સોસાયટીમાં જે-તે વખતે હિનાબેનને અગાઉ શ્વાન કરડ્યું હતું. ત્યાર બાદ શ્વાન અહીં નહીં રાખવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત સોસાયટીના સભ્ય દિલીપભાઈએ કૂતરા બાબતે વારંવાર કહ્યું હતું, પરંતુ કોઈ પણ જરૂરી પગલાં ભર્યાં નથી. ગંભીર બેદરકારીને કારણે નાની બાળકીનું મોત થયું છે. અમે સોસાયટીના સભ્ય તરફથી આપને વિનંતી કરીએ છીએ કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી.
રિશિકાના મામા રાજુભાઈએ જણાવ્યું હતું જે પ્રમાણે આ પાલતું શ્વાનના જે માલિક છે તેમની પાસે કોઈ જાતનું રજિસ્ટ્રેશન કરેલું નથી અને સોસાયટીમાં આ લગભગ ત્રીજો-ચોથીવાર આવો બનાવ બની ચૂક્યો છે તો તેઓ માગણી કરી રહ્યા છે કે આ પાલતું શ્વાનના માલિકને બને એટલી કડક સજા થવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાલતુ ડોગ રજીસ્ટ્રેશન કરાવવા અંગેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. હાથીજણ વિસ્તારમાં રાધે રેસીડેન્સીમાં પાલતુ ડોગ કરડવાની ઘટનામાં માલિક દ્વારા કોર્પોરેશનમાં ડોગનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી. સીએનસીડી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ ડોગનું કોર્પોરેશન ખાતે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી. ડોગ રાખવા અંગેના રજીસ્ટ્રેશન અને નિયમો અંગે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા કડક પોલિસી બનાવવા તરફ વિચારણા કરશે.
શહેરના હાથીજણ વિસ્તારમાં રાધે રેસીડેન્સીમાં કુતરા કરડવાની ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા બાળકીનું મૃત્યુ નિપજાવનાર કૂતરાનો કબજો લેવામાં આવશે. દાણીલીમડા ખાતે વેલનેસ સેન્ટરમાં કુતરાને રાખી અને તેના હેલ્થ રિપોર્ટ કરવામાં આવશે. કુતરાના કરડવા અંગે તમામ બાબતો ઉપર તપાસ થશે. ડોગ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જો આગામી દિવસોમાં કોઈ આવી ઘટના બનશે તો તેના માટે સીએનસીડી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.