Mehsana: ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેમાં અનેક નિર્દોષ જિંદગી હોમાઈ રહી છે. ગઈકાલે અમદાવાદ-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકો મોતને ભેટ્યા હતા. એવામાં આજે વધુ એક અકસ્માત મહેસાણા જિલ્લાના કડીમાંથી સામે આવ્યો છે. જેમાં આઈસર ટ્રક અને રિક્ષા સામ-સામે ધડાકાભેર ભટકાતા ચારના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કડી તાલુકાના નંદાસણ રોડ પર ઊંટવા પાટીયા નજીક જય ભોલે હોટલની સામેથી પસાર થતાં રસ્તા પરથી GJ-2-ZZ-440 નંબરની આઈસર ટ્રક પસાર થઈ રહી હતી. આ સમયે જ સામેથી આવતી GJ-18-BY-1537 નંબરની ઑટો રિક્ષા ધડાકાભેર આઈસર ટ્રક સાથે ભટકાઈ હતી.
Crime News: પિતાનો ત્રણ દીકરીઓ સાથે આપઘાત, સમોસા ખવડાવવાના બહાને તળાવ કાંઠે લઈ જઈ ઝેર ગટગટાવ્યું
આ અકસ્માતની જાણ થતાં કડી પોલીસ મથકનો સ્ટાફ તેમજ 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ એક દંપતી સહિત 4ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ઈમામખાન બલોચ (રહે. નંદાસણ), કમુબેન રાવળ અને છનાભાઈ રાવળ ( બન્ને રહે. ધાણોધોરડા ગામ, તા. ચાણસ્મા, જિ. પાટણ) તરીકે થઈ છે. જ્યારે એક અજાણ્યા પુરુષની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જ્યારે ઈજાગ્રસ્તોની ઓળખ પપ્પુ સહાની (રહે. મહેસાણા) અને રામાજી ઠાકોર (રહે. વિસલપુર) તરીકે થઈ છે. મૃતકો પૈકી પાટણનું દંપતી છે, જ્યારે આધેડ ઈમામખાન પણ મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામના વતની હતા અને હાલમાં નંદાસણમાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે.
હાલ તો પોલીસે પંચનામું કરીને તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ છે. જેમાં રિક્ષા રૉંગ સાઈડમાં ધસી આવીને આઈસર ટ્રકમાં ઘૂસી જતી હોવાનું જોઈ શકાય છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.