રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે ડેડલાઈન નક્કી કરવા પર સવાલ ઉઠાવ્યા

Spread the love

 

 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે ડેડલાઈન નક્કી કરવા પર સવાલ ઉઠાવ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે ડેડલાઈન નક્કી કરવા પર સવાલ ઉઠાવ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પૂછ્યું કે જો બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી તો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા કેવી રીતે નક્કી કરી શકે છે. મુર્મુએ બુધવારે સુપ્રીમ કોર્ટને 14 સવાલ પૂછ્યા. તેમણે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, ન્યાયિક હસ્તક્ષેપ અને સમયમર્યાદા નક્કી કરવા જેવા મુદ્દાઓ પર સ્પષ્ટતા માગી છે. આ મામલો તામિલનાડુના રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચેના વિવાદમાંથી ઊઠ્યો હતો. જ્યાં રાજ્ય સરકારનાં બિલો રાજ્યપાલ પાસેથી રોકી રાખવામાં આવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે આદેશ આપ્યો હતો કે રાજ્યપાલ પાસે કોઈ વિટોપાવર નથી. આ જ નિર્ણયમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલાં બિલ પર 3 મહિનાની અંદર નિર્ણય લેવો પડશે. આ ઓર્ડર 11 એપ્રિલના રોજ સામે આવ્યો હતો.

આ પહેલા ૮ એપ્રિલ અને ૧૭ એપ્રિલ ના રોજ થઇ હતી જેમાં 8 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે તામિલનાડુના રાજ્યપાલ અને રાજ્ય સરકારના કેસમાં રાજ્યપાલની સત્તાઓની મર્યાદા નક્કી કરી હતી. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે કહ્યું હતું કે ‘રાજ્યપાલ પાસે કોઈ વિટોપાવર નથી.’ સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ દ્વારા સરકારના 10 મહત્ત્વપૂર્ણ બિલોને રોકવાના નિર્ણયને પણ ગેરકાયદે ગણાવ્યો હતો. આ નિર્ણય દરમિયાન કોર્ટે રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા બિલ પર પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર 3 મહિનાની અંદર નિર્ણય લેવો પડશે. આ આદેશ 11 એપ્રિલના રોજ જાહેર કરાયો હતો. અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 17 એપ્રિલના રોજ રાજ્યસભાના ઇન્ટર્નના એક ગ્રુપને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટની સલાહ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. ધનખડે કહ્યું હતું કે “કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી શકતી નથી. બંધારણની કલમ 142 હેઠળ કોર્ટને આપવામાં આવેલી વિશેષ સત્તાઓ લોકશાહી શક્તિઓ સામે 24×7 ઉપલબ્ધ ન્યૂક્લિયર મિસાઇલ બની ગઈ છે. જજ એક સુપર પાર્લમેન્ટની જેમ કામ કરી રહ્યા છે.” ​​​​​​રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે જ્યારે કાર્યપાલિકા કામ ન કરે ત્યારે ન્યાયતંત્રએ હસ્તક્ષેપ કરવો પડશે. ભારતમાં રાષ્ટ્રપતિ એક નામના વડા છે. રાષ્ટ્રપતિ-રાજ્યપાલે સરકારોની સલાહ પર કામ કરવું પડે છે. ઉપરાષ્ટ્રપતિએ જે કહ્યું એ સાંભળીને મને આશ્ચર્ય અને દુઃખ થયું. તેમણે કોઈપણ પાર્ટીની તરફેણમાં બોલવું જોઈએ નહીં. સિબ્બલે 24 જૂન, 1975ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતાં કહ્યું, ‘લોકોને યાદ હશે કે જ્યારે ઇન્દિરા ગાંધીની ચૂંટણી અંગે નિર્ણય આવ્યો ત્યારે ફક્ત એક જ જજ, જસ્ટિસ કૃષ્ણા ઐયરે ચુકાદો આપ્યો હતો.’ એ સમયે ઈન્દિરાને પોતાનું સાંસદ પદ પણ ગુમાવવું પડ્યું હતું. ત્યારે ધનખડજીએ એ સ્વીકાર્યું, પરંતુ હવે બે જજની બેન્ચના સરકાર વિરુદ્ધના નિર્ણય પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

રાષ્ટ્રપતિ મુર્મુના સુપ્રીમ કોર્ટને 14 સવાલ: જ્યારે રાજ્યપાલ સમક્ષ બિલ આવે છે, ત્યારે તેમની પાસે કયા બંધારણીય વિકલ્પો હોય છે? શું રાજ્યપાલ નિર્ણય લેતા સમયે મંત્રી પરિષદની સલાહથી બંધાયેલા છે? શું રાજ્યપાલના નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે? શું કલમ 361 રાજ્યપાલના નિર્ણયોની ન્યાયિક સમીક્ષાને સંપૂર્ણપણે રોકી શકે છે? જો બંધારણમાં રાજ્યપાલ માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી, તો શું કોર્ટ કોઈ સમયમર્યાદા નક્કી કરી શકે છે? શું રાષ્ટ્રપતિના નિર્ણયને કોર્ટમાં પણ પડકારી શકાય? શું કોર્ટ રાષ્ટ્રપતિના નિર્ણયો પર પણ સમયમર્યાદા નક્કી કરી શકે છે? શું રાષ્ટ્રપતિ માટે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવો ફરજિયાત છે? શું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના નિર્ણયો પર કાયદો અમલમાં આવે એ પહેલાં જ કોર્ટ સુનાવણી કરી શકે છે? શું સુપ્રીમ કોર્ટ કલમ 142નો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણયો બદલી શકે છે? શું રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલો કાયદો રાજ્યપાલની સંમતિ વિના લાગુ થઈ શકે છે?. શું બંધારણના અર્થઘટન સંબંધિત કેસોને સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચને મોકલવા ફરજિયાત છે? શું સુપ્રીમ કોર્ટ એવા નિર્દેશો/આદેશો આપી શકે છે, જે બંધારણ અથવા હાલના કાયદાઓ સાથે સુસંગત ન હોય? શું કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના વિવાદનો ઉકેલ ફક્ત સુપ્રીમ કોર્ટ જ લાવી શકે છે?

રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલાં બિલ પર સુપ્રીમ કોર્ટના 4 મુદ્દા 1. બિલ પર નિર્ણય લેવો પડશે: સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કલમ 201 કહે છે કે જ્યારે વિધાનસભા બિલ પસાર કરે છે એ રાજ્યપાલને મોકલવું જોઈએ અને રાજ્યપાલે એને રાષ્ટ્રપતિ પાસે વિચારણા માટે મોકલવું જોઈએ. આ સ્થિતિમાં રાષ્ટ્રપતિને કાં તો બિલને મંજૂરી આપવી પડશે અથવા એવું કહેવું પડશે કે તેઓ મંજૂરી નહિ આપે. 2. જ્યુડિશિયલ રિવ્યૂ થશે: સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાષ્ટ્રપતિના નિર્ણયની કલમ 201 હેઠળ ન્યાયિક સમીક્ષા કરી શકાય છે. જો બિલ કેન્દ્ર સરકારના નિર્ણયને પ્રાથમિકતા આપે છે તો કોર્ટ મનસ્વિતા અથવા દ્વેષના આધારે બિલની સમીક્ષા કરશે. કોર્ટે કહ્યું હતું કે જો બિલ રાજ્ય મંત્રીમંડળને પ્રાથમિકતા આપે છે અને રાજ્યપાલે મંત્રી પરિષદની સહાય અને સલાહની વિરુદ્ધ બિલ પર નિર્ણય લીધો હોય, તો કોર્ટને બિલની કાયદેસર રીતે તપાસ કરવાનો અધિકાર રહેશે. 3. રાજ્ય સરકારે રાજ્યપાલને કારણો આપવાં પડશે: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યારે સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે  ત્યારે નિર્ણય વાજબી સમયમર્યાદામાં લેવો જોઈએ. બિલ મળ્યાના 3 મહિનાની અંદર રાષ્ટ્રપતિએ નિર્ણય લેવો ફરજિયાત રહેશે. જો વિલંબ થાય તો વિલંબનાં કારણો જણાવવાં પડશે. 4. બિલ વારંવાર પાછાં મોકલી શકાતાં નથી: કોર્ટે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બિલને રાજ્ય વિધાનસભામાં સુધારા અથવા પુનર્વિચાર માટે પાછું મોકલે છે. જો વિધાનસભા એને ફરીથી પસાર કરે છે, તો રાષ્ટ્રપતિએ એ બિલ પર અંતિમ નિર્ણય લેવો પડશે અને વારંવાર બિલ પરત કરવાની પ્રક્રિયા બંધ કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *