
મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે આખરે બુધવારે રાત્રે લગભગ 11 વાગ્યે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR નોંધી. તેમની વિરુદ્ધ ઇન્દોરના માનપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમને આતંકવાદીઓની બહેન તરીકે વર્ણવી હતી. મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના નિવેદનનો સુઓમોટો લીધો હતો. જબલપુર હાઈકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ અનુરાધા શુક્લાની બેન્ચે ડીજીપીને આજે જ મંત્રી શાહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
હાઈકોર્ટના આદેશ બાદ, વિજય શાહ વિરુદ્ધ કલમ 152, 196(1)(બી) અને 197(1)(સી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું-“ભારતની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધો. જો FIR નોંધવામાં નહીં આવે તો DGP સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હાઈકોર્ટે કહ્યું કે મંત્રી વિજય શાહનું નિવેદન સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપી રહ્યું છે”.
કર્નલ સોફિયા કુરેશી પર મધ્યપ્રદેશના આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને આજે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા સનફાર્મા રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના મંત્રી વિજય શાહ સામે સુત્રોચારો કર્યા હતા અને વિજય શાહ ફાંસી આપવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા 10થી વધુ યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી.
મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- જે લોકોએ આપણી દીકરીઓનો સિંદૂર ઉજાડ્યો હતો, મોદીજીએ તેમની જ બહેનને મોકલીને તેમની ઐસી કી તૈસી કરી દીધી. શાહે સોમવારે ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં આયોજિત હલમા કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. એનો વીડિયો મંગળવારે વાઇરલ થયો હતો. આમાં તેઓ એમ પણ કહી રહ્યા છે કે મોદી સમાજ માટે જીવે છે અને સમાજ માટે કામ કરી રહ્યા છે.
શાહે એમ પણ કહ્યું હતું કે તેઓ આપણા હિન્દુઓને કપડાં ઉતારીને મારતા હતા અને મોદીજીએ તેમની બહેનને તેમના ઘરે તેમને મારવા મોકલી હતી. હવે મોદીજી તો કપડાં ઉતારી ના શકે, તેથી તેમણે તેમના સમુદાયની એક બહેનને મોકલી કે તમે અમારી બહેનોને વિધવા બનાવી દીધી, તેથી તમારા સમુદાયની બહેન આવીને તમને નગ્ન કરશે. જાતિ અને સમુદાયની બહેનોને પાકિસ્તાન મોકલીને દેશનાં માન-સન્માન અને આપણી બહેનોના સુહાગનો બદલો લઈ શકો છો.
શાહે કહ્યું- મોદીજીએ કહ્યું હતું કે ઘરમાં ઘૂસીને મારીશું. જમીનમાં દાટી દઈશું. આતંકવાદીઓ ત્રણ માળના મકાનમાં બેઠા હતા. એક મોટા બોમ્બથી છત ઉડાડી દેવામાં આવી, પછી વચ્ચેની છત ઉડાડી દેવામાં આવી અને અંદર ગયા પછી પરિવાર ભાંગી પડ્યો. ફક્ત 56 ઇંચની છાતી ધરાવતી વ્યક્તિ જ આ કરી શકે છે.
વીડિયો વાઇરલ થયા પછી મંત્રી વિજય શાહે મંગળવારે સમાચાર એજન્સી ANIને જણાવ્યું, પ્રધાનમંત્રીએ આપણી બહેનોના સિંદૂરને ઉજાડનારાઓને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. મારા ભાષણને અલગ સંદર્ભમાં ન જુઓ. કેટલાક લોકો એને અલગ સંદર્ભમાં જોઈ રહ્યા છે. તેઓ આપણી બહેનો છે અને તેમણે પોતાની પૂરી તાકાતથી સેના સાથે કામ કર્યું છે.
મંત્રી શાહના નિવેદનથી ગુસ્સે ભરાયેલા પાર્ટી હાઇકમાન્ડે તેમને રાજ્ય મુખ્યાલયમાં બોલાવ્યા. સંગઠન મહાસચિવ હિતાનંદ શર્માના કહેવા પર મંત્રી ચપ્પલ પહેરીને પાર્ટી કાર્યાલય પહોંચ્યા. અહીં સંગઠનના મહાસચિવે તેમને નિવેદન બદલ ઠપકો આપ્યો, ત્યાર બાદ મંત્રીએ પોતાના શબ્દો બદલી નાખ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહે માફી માગી છે અને ફરી આવું નહીં કરવાનું વચન આપ્યું છે.
મંત્રી શાહના નિવેદન અંગે પીસીસી પ્રમુખ જિતુ પટવારીએ કહ્યું- ભાજપના મંત્રી વિજય શાહે જે દેશની દીકરીએ પાકિસ્તાની સેનાને હચમચાવી દીધી તેમના માટે ખૂબ જ વાહિયાત શબ્દોનો ઉપયોગ કર્યો છે. વિજય શાહ મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી છે અને કેબિનેટ સભ્યની સામૂહિક જવાબદારી કેબિનેટ પ્રત્યે છે. આવી સ્થિતિમાં સીએમ મોહન યાદવે સ્પષ્ટ કરવું જોઈએ કે શું સમગ્ર ભાજપ અને સમગ્ર મંત્રીમંડળ વિજય શાહના નિવેદન સાથે સહમત છે?
જો ભાજપ સહમત ન થાય તો વિજય શાહને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. પટવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું – શું દેશની બહાદુર દીકરીઓ માટે અત્યંત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનારી વ્યક્તિ કેબિનેટમાં રહેવાને લાયક છે? હું વડાપ્રધાન, સંરક્ષણમંત્રી, ભાજપ-પ્રમુખ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને પત્ર લખીને પૂછીશ કે જો તેઓ આ નિવેદન સાથે સહમત થાય અને વિજય શાહ કેબિનેટમાં રહે તો શું આ ભાજપની ભાષા છે? જો નહીં- તો વિજય શાહને કાઢી મૂકો.