
પાકિસ્તાનના નાગરિકો અન્ય દેશોમાં તેમના દેશની ભારે ક્ષોભજનક સ્થિતિનું સર્જન કરી રહ્યા છે. છેલ્લા 16 મહિનાના ગાળામાં સાઉદી અરેબિયાએ કુલ 5,033 પાકિસ્તાની ભિખારીઓને દેશનિકાલ કર્યા છે. જ્યારે ભીખ માંગવા બદલ 5 અન્ય દેશના 369 વ્યક્તિની ધરપકડ કરી છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના એમએનએ સેહર કામરાન દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ રાષ્ટ્રીય સભા સમક્ષ આ માહિતી રજૂ કરી હતી.
મંત્રી દ્વારા પૂરા પાડવામાં આવેલા સત્તાવાર આંકડા દર્શાવ છે કે જાન્યુઆરી 2024થી સાઉદી અરેબિયા, ઇરાક, મલેશિયા, ઓમાન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી કુલ 5,402 પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે.
વર્ષ 2024માં આ દેશોમાંથી 4,850 જેટલા પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલનો સામનો કરવો પડ્યો હતો જ્યારે આ વર્ષે 552 પાકિસ્તાની નાગરિકોને તેમના દેશ પાછા મોકલવામાં આવ્યા છે.
રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનના વિવિધ વિસ્તારો પ્રમાણે જોવામાં આવે તો આ દેશોમાંથી દેશનિકાલ કરાયેલા મોટાભાગના લોકો સિંધ પ્રાંતના છે. ભીખ માંગવાના આરોપસર આ દેશોમાંથી દેશનિકાલ કરાયેલા લોકોમાં પ્રાંતના કુલ 2,795 લોકોનો સમાવેશ થાય છે જ્યારે પંજાબના આવા લોકોની સંખ્યા 1,437 છે.
આંકડાકીય માહિતી પ્રમાણે 6 દેશમાંથી દેશનિકાલ કરાયેલા લોકોમાં ખૈબર પખ્તુનખ્વાના 1,002,બલુચિસ્તાનના 125, પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (Pok)ના 33 અને ઈસ્લામાબાદના 10 લોકોનો સમાવેશ થાય છે.