મુંબઈની, તા. 19 દુનિયાના કેટલાક દેશોમાં કોરોનાએ ફરી માથુ ઉંચકયાના રીપોર્ટ વચ્ચે ભારતના આર્થિક પાટનગર મુંબઇની હોસ્પિટલમાં પણ કોરોનાના બે દર્દીઓના મોત નિપજતા દહેશતનો માર્ગ સર્જાયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બંને દર્દીઓ કોરોના પોઝીટીવ હોવાની કબુલાત કરવામાં આવી છે પરંતુ તેમના મોત કિડની અને કેન્સર જેવી અન્ય બિમારીને કારણે થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મુંબઇની કે.ઇ.એમ. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. આ બંને દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ હતા. જોકે તેઓ કિડની અને કેન્સર જેવા રોગની સારવાર લઇ રહ્યા હતા. પરેલમાં વસવાટ કરતા 59 વર્ષીય મહિલા કેન્સરથી પીડાતા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. તેમનું મૃત્યુ નિપજતા હોસ્પિટલ દ્વારા મૃતદેહ સોંપવામાં આવ્યો ન હતો અને કોવિડ પ્રોટોકોલ મુજબ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વખતે પરિવારના માત્ર બે જ સભ્યોને હાજર રહેવાની છુટ આપવામાં આવી હતી. જોકે મહિલાના ડેથ સર્ટીફીકેટમાં મોતનું કારણ કોરોના દર્શાવવામાં આવ્યું નથી.
એવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે કોરોનાથી મૃત્યુ થયું ન હોય તો કોવિડ પ્રોટોકોલ હેઠળ કેમ અંતિમ સંસ્કાર કરાયા ? આ સિવાય કિડનીની બિમારીની સારવાર લઇ રહેલી 14 વર્ષની બાળકીનું પણ મૃત્યુ નિપજયું હતું તેનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.
કે.ઇ.એમ. હોસ્પિટલના સુપ્રિ. ડો. મોહન દેસાઇએ એવો બચાવ કર્યો હતો કે મૃત્યુ પામનાર બંને દર્દીના કોરોના રીપોર્ટ પોઝીટીવ હતા છતાં તેઓના મોત અન્ય બિમારીને કારણે નિપજયા હતા. કોરોનાથી ડરવાની કોઇ જરૂર નથી.
હવામાનમાં બદલાવને કારણે કદાચ સંક્રમણમાં વધારો હોવાની શંકા છે. છતાં દર્દીઓમાં લક્ષણો એકદમ હળવા જ છે. સામાન્ય રીતે છેલ્લા મહિનાઓમાં દર મહિને સરેરાશ 8 થી 9 કેસ નોંધાઇ રહ્યા છે. હવામાનમાં બદલાવને કારણે તેમાં સામાન્ય વૃધ્ધિ થઇ છે. સપ્તાહમાં ત્રણથી ચાર નવા કેસો જોવા મળી રહ્યા છે.