નવી દિલ્હી તા.19 વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ દેખા દીધી જ છે અને હવે ચીન-થાઈલેન્ડ જેવા દેશોમાં પણ સંક્રમણ પ્રસરવા લાગ્યુ છે. હોંગકોંગ-સિંગાપોરમાં કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે.
હોંગકોંગમાં અઢી મહિનામાં કોરોનાના કેસ 30 ગણા વધ્યા છે. સિંગાપોરમાં એક સપ્તાહમાં 30 ટકાનો વધારો છે. હોંગકોંગમાં 10 મે, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કુલ 1042 કોવિડ કેસ નોંધાયા હતા.
અગાઉના સપ્તાહમાં આ આંકડો 972 હતો. માર્ચની શરૂઆતમાં દર અઠવાડિયે ફક્ત 33 કેસ હતા. સૌથી મોટી ચિંતા એ છે કે, અહીં પોઝિટિવિટી રેટ સતત વધી રહ્યો છે.
1 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં પોઝિટિવિટી દર માત્ર 0.31% હતો. 5 એપ્રિલ સુધીમાં તે વધીને 5.09% થયો અને 10 મેના રોજ પૂરા થતા સપ્તાહમાં તે વધુ વધીને 13.66% થયો.
સિંગાપોરમાં કોવિડ કેસ 27 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 11,100 થી વધીને 3 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 14,200 થયા. તેનો અર્થ એ કે એક અઠવાડિયામાં લગભગ 30%નો વધારો છે. એટલું જ નહીં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ દરરોજ સરેરાશ 102 થી વધીને 133 થઈ ગઈ છે.