
સરકારે દેશભરમાં જળ જીવન મિશન યોજનાઓના ગ્રાઉન્ડ નિરીક્ષણ માટે કેન્દ્રીય નોડલ અધિકારીઓની ૧૦૦ ટીમો મોકલવાનો નિર્ણય લીધો છે. ૮ મેના રોજ કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં મિશનની યોજનાઓની સમીક્ષા કરવાના હેતુથી મળેલી બેઠક બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સોમવારે કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં, ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૩૫ જિલ્લાઓમાં ૧૮૩ યોજનાઓનું નિરીક્ષણ કરવા માટે ૯૯ નોડલ અધિકારીઓની ઓળખ કરવામાં આવી છે. આ યોજનાઓની પસંદગી રેન્ડમલી કરવામાં આવી છે. આમાંથી, સૌથી વધુ ૨૯ યોજનાઓ મધ્યપ્રદેશમાં, રાજસ્થાન અને ઓડિશામાં ૨૧-૨૧, કર્ણાટકમાં ૧૯, ઉત્તર પ્રદેશમાં ૧૮, કેરળમાં ૧૦ અને ગુજરાત અને તમિલનાડુમાં ૮-૮ યોજનાઓ છે. દરખાસ્તમાં ૪૬ ટકા કાપ મૂકવાના સૂચન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમીક્ષાનો આ નિર્ણય બે મહિના પહેલા ખર્ચ સચિવની આગેવાની હેઠળની એક પેનલે જળ સંસાધન મંત્રાલયના પ્રસ્તાવમાં ૪૬ ટકા કાપ મૂકવાનું સૂચન કર્યું હતું તે પળષ્ઠભૂમિમાં લેવામાં આવ્યો છે. આ દરખાસ્તમાં, ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં મિશન પૂર્ણ કરવા માટે રૂ. ૨.૭૯ લાખ કરોડની જરૂર હતી. ખર્ચ વધારા અંગે નાણાં મંત્રાલય દ્વારા કડક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ અને કેટલાક સરકારી વિભાગો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ બાદ આ કાપ મૂકવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક રાજ્યોમાં કામના કરારનો ખર્ચ વધારવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નિરીક્ષણ માટે પસંદ કરાયેલી ૧૮૩ યોજનાઓમાંથી ઘણી યોજનાઓનો ખર્ચ લગભગ રૂ. ૧,૦૦૦ કરોડ છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે આ યોજનાઓનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. ૧.૫૦ લાખ કરોડ છે, જે જળ જીવન મિશન (JIM) ની શરૂઆતથી મંજૂર થયેલી તમામ યોજનાઓના કુલ ખર્ચના લગભગ ૨૦ ટકા છે. નિરીક્ષણ માટે પસંદ કરાયેલા નોડલ અધિકારીઓમાં ૭૫ સંયુક્ત સચિવો, બે સંયુક્ત સચિવો અને નાણાકીય સલાહકારો અને ૧૦૬ ડિરેક્ટરોનો સમાવેશ થાય છે, જેઓ હાલમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કાર્યરત છે. આ અધિકારીઓ માટે ૨3 મેના રોજ એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં તેમને નિરીક્ષણ દરમિયાન અપનાવવામાં આવનારા ધોરણો વિશે માહિતી આપવામાં આવશે. મંત્રાલય દ્વારા એક પ્રશ્નાવલી પણ તૈયાર કરવામાં આવી છે, જેને અધિકારીઓ નિરીક્ષણ સમયે પોતાની સાથે રાખશે અને તે મુજબ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરશે. નોંધનીય છે કે જળ જીવન મિશન ૨૦૧૯ માં શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, અત્યાર સુધીમાં રાજ્યો દ્વારા ૬.૪ લાખ પાણી પુરવઠા યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ.૮.૨૯ લાખ કરોડ છે. આ આંકડો યોજનાના મૂળ ખર્ચ રૂ.૩.૬૦ લાખ કરોડ (કેન્દ્ર રૂ.૨.૦૮ લાખ કરોડ, રાજ્ય રૂ.૧.પર લાખ કરોડ) કરતાં બમણાથી વધુ છે