એક અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં દેશની તમામ મહિલાઓ માટે કરવા ચોથનું વ્રત ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કડક વલણ અપનાવ્યું અને તેને ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે અરજીને વાહિયાત ગણાવી અને અરજદારને ઠપકો આપ્યો.
અરજદારે એવી પણ માંગ કરી હતી કેસ્ત્રી છૂટાછેડા લીધેલી હોય કે વિધવા હોય કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હોય, બધા માટે કરવા ચોથનું વ્રત ફરજિયાત બનાવવું જોઈએ. સુપ્રીમ કોર્ટને એવી પણ વિનંતી કરવામાં આવી હતી કે સરકારને ઉપવાસનું પાલન કરવા માટે કડક નિયમો બનાવવાનો નિર્દેશ આપવામાં આવે અને જો કોઈ ઉપવાસનું પાલન ન કરે તો તેને સજા કરવામાં આવે. અરજદારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને હરિયાણા સરકારને તમામ વર્ગની મહિલાઓને તેમાં સામેલ કરવાનો આદેશ આપવો જોઈએ અને કાયદામાં સુધારો કરવાની માંગણી કરી હતી. હરિયાણાના નરેન્દ્ર કુમાર મલ્હોત્રાએ પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે હાઇકોર્ટનો સમય બગાડવા બદલ અરજદાર પર એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો ટકાર્યો હતો, પરંતુ અરજદારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સોમવારે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે અરજદારને ઠપકો આપ્યો હતો. કેસની સુનાવણીની શરૂઆતમાં અરજદારના વકીલે દલીલ કરી હતી કે સરકાર આ મામલે કંઈ કરી રહી નથી. આના પર સુપ્રીમ કોર્ટે અરજી પર કહ્યું કે તે અર્થહીન છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વાહિયાત અરજીને હાઇકોર્ટ દ્વારા પહેલાથી જ ફગાવી દેવામાં આવી છે અને તેને અર્થહીન જાહેર કરવામાં આવી છે. જો અરજદાર ફરીથી આવી અરજી દાખલ કરે છે તો યોગ્ય કાર્યવાહી કરી શકાય છે.