વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ,મુખ્યમંત્રી,કેન્દ્રીય મંત્રી મનોહરલાલ અને સી આર. પાટીલ
એરપોર્ટ આઇકોનિક રોડ પર ‘મા ભારતી’ના જયઘોષ સાથે છલકાયો અમદાવાદીઓનો રાષ્ટ્રપ્રેમ,આઇકોનિક રોડ પર વિવિધ ટેબ્લો, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને જીવંત બનાવ્યું
ગાંધીનગર શહેરમાં આવતી કાલે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સિંદૂર સન્માન યાત્રા યોજાશે
60082fce-ae92-4aa5-9b3d-43c355fb51e0
અમદાવાદ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાનશ્રી સાંજે અમદાવાદ એરપોર્ટ પર પધાર્યા ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલ તથા કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ પણ વડાપ્રધાનશ્રીના સ્વાગતમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર શ્રી પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, એર માર્શલ શ્રી નાગેશ કપૂર, મેજર જનરલ શ્રી ગૌરવ બગ્ગા, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેકટર શ્રી સુજીત કુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.
અમદાવાદ ખાતે ઓપરેશન સિંદૂરના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવતા રોડ શોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદીઓએ ઉમળકાભેર આવકાર્યા હતા. વડાપ્રધાનશ્રીએ રોડ શૉમાં સૌનું અભિવાદન ઝીલ્યું હતું.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ પણ આ રોડ શોમાં જોડાયા હતા.
અમદાવાદમાં એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શૉમાં ‘મા ભારતી’ના જયઘોષ સાથે અમદાવાદીઓએ ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ ભારતીય સૈન્ય અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અમદાવાદ ખાતે યોજાયેલા રોડ શોમાં ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબ્લો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઊર્જાસભર બનાવ્યું હતું. તિરંગાની થીમ પર કરવામાં આવેલી શાનદાર રોશનીથી એરપોર્ટ આઇકોનિક રોડ ઝળહળી ઊઠયો હતો.રોડ શો દરમિયાન વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડ શોના રૂટ પર બાળકો સહિત શહેરીજનોએ હાથમાં તિરંગો લહેરાવીને તથા પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનશ્રીનું સ્વાગત – સન્માન કર્યું હતું. સિંદૂર સન્માન યાત્રામાં અમદાવાદીઓએ તિરંગા સાથે અતૂટ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના દર્શાવી હતી.રોડ શોમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા પ્લે કાર્ડ અને બેનરોના લીધે ચારે તરફ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમનું અનેરું દૃશ્ય સર્જાયું હતું. વિવિધ ધર્મ, સમાજ અને સંસ્થાઓના લોકો વિવિધ વેશભૂષા તથા ચિત્રો અને બેનરો સાથે આ રોડ શોમાં સહભાગી થયા હતા.
ગાંધીનગર શહેરમાં આવતી કાલે સવારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સિંદૂર સન્માન યાત્રાનાં રૂટનું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું.જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા મેયરશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા કલેકટરશ્રી, ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશનરશ્રી તેમજ ગાંધીનગર એસ.પીશ્રી સહિત અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
રાજભવનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ભાવભીનું સ્વાગત
‘ઓપરેશન સિંદૂર’ની ઐતિહાસિક સફળતા બાદ માતૃભૂમિની પ્રથમ મુલાકાતે પધારેલા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે મોડી સાંજે ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાજભવન આગમન સમયે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીને આત્મિયતાપૂર્વક આવકારતાં રાષ્ટ્ર નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હાલમાં દ્વિદિવસીય ગુજરાત પ્રવાસે છે, જે વિકસિત ભારતના સંકલ્પ અને અમૃતકાલના સપનાંને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન છે.