રાજકોટ, તા.28 લગ્નનું પ્રલોભન આપી સ્ત્રી સાથે શરીર સંબંધ બાંધવા અંગેના રાજકોટના સીએ દર્શન ભુપેન્દ્રભાઈ પીઠડીયા સામે નોંધાયેલ ગુનામાં ગુજરાત હાઈકોર્ટએ આગોતરા જામીનના સિધ્ધાંતો પુન: પ્રસ્થાપીત કર્યાં છે. પુખ્ત વયના વ્યક્તિઓ શરીર સંબંધ બાંધે ત્યારે પોતાનું ભલુબુરું સારી રીતે જાણતા હોય છે. તેવું અનુમાન કરી સીએના આગોતરા જામીન મંજુર કર્યાં છે.
આ કેસની વિગત મુજબ, ગઈ તા.4/5/2025 ના રોજ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મહિલા ફરીયાદીએ આરોપી દર્શન પીઠડીયા સામે લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપોવાળી બી.એન.એસ.કલમ-69 મુજબની ફરીયાદ નોંધેલ હતી. આરોપી દર્શને લગ્નની લાલચ આપી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધી બાદ તેણીને લગ્ન કરવાની ના પાડી દીધેલ હતી. તેવો આક્ષેપ હતો.
દર્શન પીઠડીયાએ તેઓના એડવોકેટ મારફત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ. પણ તે નામંજુર થઈ હતી. જેથી હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ. જેની સુનાવણી વખતે આરોપીના એડવોકેટ પ્રતિક વાય. જસાણી અને અમૃતા ભારદ્વાજએ જણાવેલ કે, આરોપી અને ફરિયાદી બંને પુખ્ત વયના છે. પોતાનું ભલુબુરું સારી રીતે જાણે છે.
સ્વઈચ્છાએ સંબંધ બાંધ્યો છે. બંને પોતાની મરજીથી અલગ અલગ જગ્યાએ સાથે ફરવા જતા. ફરીયાદી પોતે એન્જીનીયરીંગની ડીગ્રી ધરાવે છે અને છુટાછેડા લીધેલ સ્ત્રી છે. જેથી ફરીયાદી કોઈના ખોટા પ્રલોભનમાં આવી જાય તે હકિકત માની શકાય તેવી નથી. દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે જણાવેલ કે, આરોપી અને ફરીયાદી બંને પુખ્ત વયના વ્યકિતઓ છે તથા ભણેલ ગણેલ છે.
જેથી બંને વ્યક્તિઓ પોતાનું ભલુબુરું સારી રીતે જાણે છે. આરોપીની કસ્ટોડીયલ ઈન્ટરોગેશનની જરૂરીયાત જણાતી નથી. આ હકિકતો દર્શાવી હાઈકોર્ટે આરોપી દર્શન પીઠડીયાને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.
આ કેસમાં આરોપી તરફે એડવોકેટ દરજ્જે સેશન્સ કોર્ટમાં અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, દિશા ફળદુ, મિહિર શુકલ, હાઈકોર્ટમાં પ્રતિક વાય. જસાણી તથા અમૃતા ભારદ્વાજ રોકાયેલ હતા.