28 મે 2025 અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી હર ભોલેનાથ સોસાયટીમાં પરિવાર સાથે રહેતી પરણીતાને તેના જ ઘરમાં જુના પાડોશીએ છરીના 6થી વધુ ઘા મારી હત્યાની નિપજાવી છે. આ બાબતની જાણ પોલીસને તથા રામોલ પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આરોપીએ છરીના ઘા ક્રૂરતાપૂર્વક માર્યા હોવાથી પેટમાંથી આતરડું બહાર આવી જતા ઘરમાં જ પરણીતાનું મોત નીપજ્યું હતું.
ત્યારે આ સમગ્ર મામલે હત્યા કરવાનું કારણ શું હતું? કેવી રીતે હત્યા થઈ સમજીએ વિગતવાર.
ઉત્સવ સીટી ખાતે રહેતા અશોક પટેલ સાથે મુલાકાત થઈ
બનાવ અંગે ACP કુણાલ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પરિણીતા અને આરોપી વચ્ચે 2014થી પ્રેમ સંબંધ હતો જેના કારણે વર્ષ 2020માં મૃતકના પતિએ આ જ કારણથી ઘર પણ બદલ્યું હતું. તેમજ આ બાબતને લઈને બંને પરિવારની વચ્ચે ઘણી વખત વાદવિવાદ થયા હતા. પરંતુ હાલમાં કોઈ બાબતે બનાવ બનતા આરોપીએ છરીના ઘા મારી પરિણીતાની હત્યા નીપજાવી છે. જોકે હાલ પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે. ઘટનાની જો સંક્ષિપ્તમાં વાત કરીએ તો હાલમાં વસ્ત્રાલની હર ભોલેનાથ સોસાયટીમાં મૃતક પરણીતા અંકિતા તેના પતિ ચંદ્રકાંતભાઈ તેમજ 14 વર્ષની પુત્રી અને 7 વર્ષના પુત્ર સાથે રહે છે. ચંદ્રકાંત પ્રજાપતિ ટુ વ્હીલરનું ગેરેજનો ધંધો કરે છે. અગાઉ તેઓ ઉત્સવ સીટી ખાતે ફ્લેટમાં રહેતા હતા ત્યાં બાજુમાં બ્લોકમાં રહેતા અશોક પટેલ સાથે તેમની ઓળખાણ થઈ હતી. અશોક પટેલ સાથે મિત્રતા થતા તેઓ બંને એકબીજાને અવારનવાર ફ્લેટ નીચે મળતા જે બાદ અશોક કોઈને કોઈ બહાને તેમના ઘરે આવતો જતો હતો. પરંતુ વર્ષ 2017માં ચંદ્રકાંતભાઈ ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો રહેતા તેઓ તેની પત્નીના બેડરૂમમાં ગયા અને પત્ની સુતા સુતા મોબાઇલ ફોનથી કોઈની સાથે વાત કરી રહી હતી. જોકે ચંદ્રકાંતભાઈએ પત્નીને મોબાઇલ પણ આપ્યો નહોતો ત્યારે મોબાઈલ ક્યાંથી આવ્યો એવું કહીને તપાસ કરી હતી ત્યારે તેની પત્ની અંકિતા અશોક પટેલ સાથે ફોન ઉપર વાત કરી હતી આ ફોન પણ અશોક તેને લઈ આપ્યો હોવાનું તેની પત્નીએ જણાવ્યું હતું.
મળવાની ના પાડતા આરોપી મારી નાખવાની ધમકી આપતો
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પરણીતાના પતિ ચંદ્રકાંતભાઈ પ્રજાપતિને અશોક પટેલ સાથે અગાઉ અવારનવાર બોલાચાલી પણ થઈ હતી જે બાદ અશોકે તેમની સાથે ગેરેજ પર આવીને મારામારી કરી હતી. આ દરમિયાન ચંદ્રકાંતભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ પણ નોંધાવી હતી. વર્ષ 2018માં અશોક પટેલથી કંટાળીને ચંદ્રકાંતભાઈ ફ્લેટ વેચીને ત્રિલોક પાર્ક ખાતે ભાડે રહેવા ગયા હતા. આ દરમિયાન પણ અશોક પટેલ તેમના ઘર આગળ આંટાફેરા મારી રહ્યો હતો. જોકે આ અંગેની તેમના મકાન માલિકને ખબર પડતાં તેમણે મકાન ખાલી કરવા કહ્યું હતું. જોકે બે મહિના જેટલો સમય ત્યાં રહ્યા બાદ ચંદ્રકાંતભાઈએ ભોળાનાથ સોસાયટીમાં પોતાનું મકાન ખરીદી લીધું હતું. આ મકાનમાં રહેવા આવ્યા બાદ પણ અશોક પટેલ અવારનવાર તેમના ઘરની આગળ આંટાફેરા મારતો હતો અને તેની પત્નીને મળવા દબાણ કરતો હતો તેની પત્ની મળવા ના જાય તો છોકરા છોકરીને ઉપાડી જઈ મારી નાખવાની ધમકી આપી સંબંધો રાખવા પર દબાણ કરતો હતો જેથી અંકિતા છુપાવીને અશોકને મળવા જતી હતી. આ તમામ મામલે હાલ આરોપી અશોક પટેલ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.