બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીતની ઉજવણીમાં ભાગ લેવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ એકઠા થયા હતા, ત્યારે ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકોની હાલત ગંભીર છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે, સ્ટેડિયમની નજીક લોકોની ભીડને કારણે ભાગદોડ મચી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.
મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય
કર્ણાટક સરકારે મૃતકોના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરી છે. સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે, “સરકારે મૃતકો માટે 10-10 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. સરકાર ઘાયલોને મફત સારવાર આપશે. હું આ ઘટનાનો બચાવ કરવા માંગતો નથી. અમારી સરકાર આના પર રાજકારણ નહીં કરે. મેં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે અને 15 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે.”
‘આ દુર્ઘટનાના દર્દથી જીતની ખુશીને ખતમ થઈ ગઈ’
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે, “બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ટીમના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા તે સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે. આ દુર્ઘટનાના દર્દથી જીતની ખુશી પણ ખતમ થઈ ગઈ છે. મૃતકોના આત્માને શાંતિ મળે અને ઘાયલો અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.”
‘પ્રેમ અને સ્નેહ કરતાં વધુ મહત્વનું છે જીવન’
તેમણે કહ્યું કે, “આવી ભાગદોડ અને ભીડના બેકાબૂ થવાના કારણે અનિચ્છનીય ઘટના થવાની આશંકાના કારણે ટીમને વિજય પરેડમાં માર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. મારા સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું જનતાને અપીલ કરું છું કે તેઓ સમજે કે પ્રેમ અને સ્નેહ કરતાં વધુ મહત્વપૂર્ણ જીવન છે અને સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે.”
ભાજપે સિદ્ધારમૈયા પર સાધ્યું નિશાન
ભાજપ અને જેડીએસે આ ઘટના માટે રાજ્યની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવીને નિશાન સાધ્યું છે. કર્ણાટક ભાજપે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું કે, “7 લોકોનાં મોત થયા. કોંગ્રેસ સરકારની બેજવાબદારીને કારણે ભાગદોડ બાદ ઘણા લોકો જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભીડને કાબૂમાં લેવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. કોઈ મૂળભૂત વ્યવસ્થા નહોતી… ફક્ત અરાજકતા. જ્યારે નિર્દોષ લોકો મરી રહ્યા હતા, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર ક્રિકેટરો સાથે રીલ શૂટ કરવામાં અને લાઈમલાઈટ મેળવવામાં વ્યસ્ત હતા. આ ગુનાહિત બેદરકારી છે. કોંગ્રેસ સરકારના હાથ લોહીથી રંગાયેલા છે.”
‘કોંગ્રેસ સરકારે આ ભાગદોડની પુરી જવાબદારી લેવી જોઈએ’
JDS નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પણ સિદ્ધારમૈયા સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, “તૈયારીમાં ભૂલ અને સાવચેતીના પગલાંના અભાવે ચિન્નાસ્વામીની બહાર ભાગદોડ થઈ. કોંગ્રેસ સરકારે આ ભાગદોડની પુરી જવાબદારી લેવી જોઈએ. મૃતકોના પરિવારોને તાત્કાલિક રાહત આપવી જોઈએ અને ઘાયલોને સારી સારવાર મળે.”