એરક્રાફટ ક્રેશ : બોઈંગના એન્જિન પર નિષ્ણાતોએ ઉઠાવ્યા સવાલ
ફલાઈટ જે કન્ડિશનમાં નીચે ગઈ એથી અનુમાન લગાવી શકાય કે એન્જિન ફેલ થયું હોવું જોઈએ : એરફોર્સ વિંગ કમાન્ડર
નવીદિલ્હી
અમદાવાદથી લંડન જવા નીકળેલી ફલાઈટના ક્રેશ થવાનું અસલ કારણ તો તપાસ બાદ બહાર આવશે. પરંતુ જાણકારોનું કહેવું છે કે ક્રેશનો વીડિયો જોઈને તો એવું લાગી રહ્યું છે કે એન્જિનમાં સમસ્યા કારણ હોઈ શકે છે.
ઈન્ડિયન એરફોર્સના ફાઈટર પાયલોટ રહી ચૂકેલા વિંગ કમાન્ડર રોહિત કોધાન કે જેઓ હાલ સિવિલ એર લાઈન્સના કેપ્ટન છે, તેઓ કહે છે કે વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પાયલોટે એર ક્રાફટના નોજને ઉપર તરફ ઉઠાવવાની કોશિષ કરી અને એર ક્રાફટ એ કન્ડિશનમાં નીચે ગયું, આથી લાગી રહ્યું છે કે એન્જિન ફેલ હોઈ શકે છે.
રોહિત કોધાને વધુમાં જણાવ્યું હતું કે અમે જયારે ટેક ઓફ શરૂ કરતા હોઈએ છીએ ત્યારે બન્ને પાયલોટ એક પ્રક્રિયા અનુસરતા હોય છે, જેમાં બધા ચેકસ કરવામાં આવે છે. અલગ અલગ ચેકસ હોય છે જેમાં એરક્રાફટના પર્ફોર્મન્સનો પતો લાગે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જયાં સુધી આપણે એ ઉંચાઈ સુધી નથી પહોંચી શકતા ત્યાં સુધી અનેક ચેકસ રહેતા હોય છે. આ ઉપરાંત વચ્ચે વચ્ચે બધા ઓપરેશન્સ ચેક કરતા રહેતા હોઈએ છીએ કે એરક્રાફટમાં બધુ બરાબર છે કે નહીં.







