મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાળા તાલુકામાં એક હ્રદયદ્રાવક ઘટના બની છે. આ ઘટનામાં પત્નીએ પતિની હત્યા કરીને તેની લાશના અનેક ટુકડા કરીને ઘરમાં દફનાવી દીધા હતા. કુહાડીનો ઘા મારી મહિલાએ જેરીતે પોતાના પતિની ક્રૂર હત્યા કરી છે તેની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઇ રહી છે. લોકોમાં દહેશતનો પણ માહોલ છે. ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડનો મામલો તાજો જ છે ત્યારે આ હત્યાકાંડે વધુ એક ચર્ચા જગાવી છે.
જોકે આ ઘટનામાં પત્નીએ પતિની હત્યા કેમ કરી હતી તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. પતિની હત્યાની વાત પત્નીએ બે મહિના સુધી છુપાવી રાખી હતી.
મૃતકનું નામ યશવંત મોહન ઠાકરે છે. તે માલગોંદા સુરગાળાનો રહેવાસી હતો. યશવંતના માતા-પિતાએ પોતાના ગુમ પુત્ર અંગે વહુને પૂછપરછ કરી ત્યારે વહૂએ ગોળ-ગોળ જવાબ આપતાં મામલો ખુલ્યો હતો.
યશવંત બે મહિના અગાઉ જ ગુજરાતમાં મજૂરી કામ માટે આવ્યો હતો અને પાછો ગયો ન હતો. વહુએ સીધો જવાબ ન આપતાં માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. વહુ ગુજરાતના બિલિમોરા આવી ગઇ હતી. જેને કારણે શંકા વધુ ઘેરી બની હતી. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી તો યશવંતનો મૃતદેહ ઘરની અંદર ખોદાયેલા ખાડામાંથી મળી આવ્યા હતા. જોકે તેની પાછળ કોઇ પ્રેમ પ્રકરણ કે અન્ય કોઇ કારણ છે કે કેમ તે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.