પહેલગામ હુમલાના બીજા દિવસે, 24 એપ્રિલે, ભારતે પાકિસ્તાન સાથે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. હવે તેની અસર પાકિસ્તાનમાં દેખાઈ રહી છે. પાકિસ્તાનમાં ચિનાબ નદીના પાણીમાં 92% ઘટાડો થયો છે. 29 મેના રોજ નદીમાં પાણીનો પ્રવાહ 98 હજાર 200 ક્યુસેક હતું. હવે તે ઘટીને માત્ર 7200 ક્યુસેક થઈ ગયું છે.
જળસ્તર 3000 ક્યુસેક એટલે કે ‘ડેડ લેવલ’ થી નીચે જઈ શકે છે. પંજાબ અને સિંધ પ્રાંતના 6.5 કરોડ ખેડૂતો સિંચાઈ માટે ચિનાબ નદી પર આધાર રાખે છે. પાણીની અછતને કારણે, અહીં 40% થી વધુ પાક નાશ થવાની કગારે છે.
સિંધુ પર બનેલા તારબેલા ડેમ અને ઝેલમ પર બનેલા મંગલા ડેમમાં પણ પાણીની ભારે અછત છે. આ કારણે, પાકિસ્તાનના કૃષિ મંત્રાલયે સ્વીકાર્યું છે કે આ વખતે ખરીફ મોસમ હાલના ઇતિહાસની સૌથી ખરાબ હોઈ શકે છે. પાણીની અછતને કારણે ખેડૂત સંગઠનોમાં પાકિસ્તાન સરકાર અને સેના સામે રોષ છે. પાકિસ્તાન કિસાન ઇત્તેહાદ (PKI) એ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ખેડૂતો ઇસ્લામાબાદ તરફ કૂચ કરશે. PKIનો દાવો છે કે પાણીની અછતને કારણે, એકલા ઘઉંના પાકને 2200 અબજ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
આ કુલ કૃષિ GDPના 23.15% છે. જો પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો વર્ષના અંત સુધીમાં આ નુકસાન 4500 અબજ રૂપિયા સુધી પહોંચી શકે છે. પાકિસ્તાનના મહત્વપૂર્ણ ડેમોની હાલત ખૂબ જ ખરાબ છે. તારબેલા અને માંગલા ડેમ લગભગ અડધા ખાલી છે. વિશ્વના સાતમા સૌથી મોટા ડેમ, માંગલામાં હવે 27 લાખ એકર ફૂટ પાણી બાકી છે. તેની કુલ ક્ષમતા 59 લાખ એકર ફૂટ છે. તેમજ, તારબેલામાં ફક્ત 60 લાખ એકર-ફીટ (કુલ ક્ષમતા 116 લાખ એકર-ફીટ) પાણી બચ્યું છે. જો પાણીનો પુરવઠો આ રીતે ઘટતો રહેશે, તો અત્યાર સુધી સંગ્રહિત પાણીનો 50% પણ ખતમ થઈ જશે.
ગ્રીન પાકિસ્તાન પ્રોજેક્ટ હેઠળ, બહાવલપુર જેવા રણ વિસ્તારોને નહેરો દ્વારા જોડવાના છે, પરંતુ ખેડૂત નેતાઓ કહે છે કે આનાથી દેશના દક્ષિણ ભાગોમાં પાણી ઘટશે. સિંધના ખેડૂત નેતા મુસા અલી કહે છે કે ‘ગ્રીન પાકિસ્તાન’ એક સરકારી ષડયંત્ર છે. માર્ચમાં ઘણા ખેડૂત સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. પીકેઆઈના પ્રમુખ ખાલિદ મહમૂદ ખોખર કહે છે કે પાકનો નાશ થવાથી દેવું વધી રહ્યું છે. આના કારણે લાખો ખેડૂતો ભૂખમરાની આરે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખેડૂત નેતા અહેમદ શરીફે જણાવ્યું હતું કે હવે પાણીની સમસ્યા નેશનલ ઈમરજન્સી બની ગઈ છે. આના કારણે, રાશનના ભાવ પહેલાથી જ આસમાને પહોંચી રહ્યા છે.
પાકિસ્તાને અત્યાર સુધીમાં સિંધુ જળ સંધિ સ્થગિત અંગે ભારતને ચાર પત્રો મોકલ્યા છે. NDTV એ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આમાંથી એક પત્ર ઓપરેશન સિંદૂર પછી મોકલવામાં આવ્યો હતો. આ ચારેય પત્રો પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ સૈયદ અલી મુર્તઝા દ્વારા ભારતના જળ શક્તિ મંત્રાલયને મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ મંત્રાલયે તેમને વિદેશ મંત્રાલય (MEA)ને મોકલી દીધા. આ કરાર હેઠળ, ભારત સિંધુ જળ સિસ્ટમની ત્રણ પૂર્વીય નદીઓના પાણીનો ઉપયોગ કરી શકે છે અને બાકીની ત્રણ પશ્ચિમી નદીઓના પાણી પર પાકિસ્તાનને અધિકાર આપવામાં આવ્યો હતો.