અમદાવાદ, 18 જૂન 2025 : સીતા પટણી અકસ્માતવાળી જગ્યાએ ચાની દુકાન ચલાવતા હતા અને 12 જૂને જ્યારે વિમાન ક્રેશ થયું હતું ત્યારે તેમનો પુત્ર આકાશ તેમને જમવાનું આપવા ગયો હતો. માતા તો ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા, પરંતુ તેમનો પુત્ર આકાશ 14 વર્ષીય આકાશ જે જમવાનું આપીને સૂઈ ગયો હતો તે હંમેશા માટે સૂઈ ગયો.
આકાશ પટણીના પિતા સુરેશ પટણીએ જણાવ્યું કે, તેમને સોમવારે મોડી રાત્રે મૃતદેહ લઈ જવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ રાત્રે મૃતદેહનો અંતિમ સંસ્કાર નહતા કરી શકતા.
તેથી તેમણે મંગળવારે સવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.
પત્ની સ્વસ્થ
મૃતક આકાશના પિતા સુરેશ પટણીએ જણાવ્યું કે, ‘મારી પત્ની જે દુર્ઘટનામાં અડધી બળી ગઈ હતી. હવે તે સાજી થઈ રહી છે, તેની સર્જરી કરાવી પડી પરંતુ, ડૉક્ટર્સે આશ્વાસન આપ્યું છે કે, તેની તબિયતમાં સુધારો છે. જોકે, હજુ ખબર નથી કે, ડૉક્ટર્સ ક્યાં સુધીમાં તેને ડિસ્ચાર્જ આપશે.’
વળતરની કોઈ જાણ નથી…
ઉલ્લેખનીય છે કે ચાની દુકાન જ પરિવારની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હતી. જોકે, સુરેશ પટણી સાથે રિક્ષા પણ ચલાવે છે. જોકે, આટલા દિવસો બાદ પણ તેમને અધિકારીઓ તરફથી કોઈ વળતર આપવામાં નથી આવ્યું કે, તે વિશે કોઈએ તેમનો સંપર્ક નથી કર્યો. સુરેશ કહે છે કે જો વિમાનમાં સવાર મુસાફરોને વળતર મળે છે, તો અમારી જેવા લોકોને પણ વળતર તો મળવું જોઈએ, જેણે પોતાના પરિવારના સભ્યોને ગુમાવી દીધા છે. મને આશા છે કે, કોઈને કોઈ મારો સંપર્ક કરશે.’