દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટને કારણે મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4 મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં 2 અને દિલ્હી અને કેરળમાં 1-1 દર્દીનું મોત થયું છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં કોરોનાથી 113 લોકોના મોત થયા છે. સૌથી વધુ મૃત્યુ કેરળમાં 36 અને મહારાષ્ટ્રમાં 31 લોકોના થયા છે. દિલ્હીમાં પણ 13 લોકોના મોત થયા છે. દેશના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના 6483 એક્ટિવ કેસ છે. કેરળમાં સૌથી વધુ 1384 કેસ છે. ગુજરાતમાં 1105 એક્ટિવ કેસ છે અને પશ્ચિમ બંગાળમાં 747 એક્ટિવ કેસ છે. મંગળવારે 163 નવા કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશ સરકારે કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા સૂચનાઓ જારી કરી છે. મુખ્ય આરોગ્ય અધિકારીઓએ તમામ હોસ્પિટલોને જરૂરી દવાઓ, પીપીઈ કીટ, ટેસ્ટિંગ સુવિધાઓ, આઇસોલેશન બેડ, ઓક્સિજન સિલિન્ડર, આઈસીયુ અને વેન્ટિલેટર તૈયાર રાખવા જણાવ્યું છે. સોમવારે નાગાલેન્ડમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. દીમાપુરમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે દર્દીમાં હળવા લક્ષણો છે અને હાલમાં તે ઘરે જ આઈસોલેશનમાં છે. ડોક્ટરો તેની દેખરેખ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલોને કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરતી વખતે જૂન 2023 માં જારી કરાયેલ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપી છે. હોસ્પિટલોમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. ઉપરાંત, શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ગુલબર્ગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે 25 બેડનો કોવિડ વોર્ડ બનાવ્યો છે. આમાંથી પાંચ બેડ ICU (વેન્ટિલેટર સહિત), હાઇ ડિપેન્ડન્સી યુનિટ અને પાંચ સગર્ભા સ્ત્રીઓ માટે છે. બાકીના 10 સામાન્ય બેડ છે.
ભારતનાં અનેક રાજ્યોમાં નવા કોવિડ-19 કેસોમાં વધારો થવા વચ્ચે દેશમાં ચાર નવા પ્રકારો મળ્યા છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિયન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 શ્રેણીના છે.
અન્ય સ્થળોએથી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા વેરિયન્ટ શોધી શકાય. આ કેસ બહુ ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, ફક્ત સાવધાન રહેવું જોઈએ, જોકે WHOએ આને ચિંતાજનક ગણ્યું નથી, પરંતુ એને દેખરેખ હેઠળના વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, જોકે A435S, V445H, અને T478I જેવા NB.1.8.1 ના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન અન્ય વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ એના પર અસર કરતી નથી. કોવિડનો JN.1 વેરિયન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. ટેસ્ટિંગમાં અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિયન્ટ જોવા મળે છે. આ પછી BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિયન્ટના કેસ પણ જોવા મળે છે.
JN.1એ ઓમિક્રોનના BA2.86નો એક સ્ટ્રેન છે. એ પહેલીવાર ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2023માં WHOએ એને ‘વેરિયન્ટ એફ ઇન્ટરેસ્ટ’ જાહેર કર્યો. એમાં લગભગ 30 મ્યુટેશન્સ છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, JN.1 અન્ય વેરિયન્ટ કરતાં વધુ સરળતાથી ફેલાય છે, પરંતુ એ બહુ ગંભીર નથી. એ વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય વેરિયન્ટ છે. JN.1 વેરિયન્ટનાં લક્ષણો થોડા દિવસોથી અઠવાડિયાં સુધી રહી શકે છે. જો તમારાં લક્ષણો લાંબા સમય સુધી રહે છે, તો તમને લાંબા સમય સુધી કોવિડ હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં કોવિડ-19નાં કેટલાંક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ બની રહે છે.