
એક સપ્તાહ પહેલા અમદાવાદના મેઘાણાનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટેક ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ વિમાન તૂટી પડ્યું હતું. આ ઘટના બાદ એર ઈન્ડિયાની ઘણી ફ્લાઇટ પણ કેન્સલ થઈ હતી. આ દુર્ઘટનાના વાયરલ વીડિયોને લઇને લોકો વિમાની મુસાફરી કરતા પણ ડરી રહ્યા છે. એર ઇન્ડિયાની ફલાઇટના બુકિંગમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. દુર્ઘટના બાદ અનેક મુસાફરોએ પોતાની ટિકિટો કેન્સલ કરાવી હતી. અમદાવાદથી લંડન જવા માટે અન્ય એરલાઇન્સની સરખામણીમાં એર ઇન્ડિયાનું ભાડું 10-15 હજાર ઓછું છે. તેમ છતાં લોકો હાલ અન્ય એરલાઇન્સમાં બુકિંગ કરાવી રહ્યા છે. બીજી તરફ આ માત્ર એક અકસ્માત જ હતો તેમ માનીને ઘણા લોકો પોતાની ટિકિટ રિશિડ્યૂલ પણ કરાવી રહ્યા છે. અમદાવાદથી લંડન જવા માટે એર ઇન્ડિયા ઉપરાંત ઘણી એરલાઇન્સના વિકલ્પ છે. જોકે, તેમાં કનેક્ટ ફલાઇટમાં થોડો વધારે સમય લાગતો હોય છે. એર ઇન્ડિયા કરતા અન્ય એરલાઇન્સના ભાડા પણ વધારે છે, તેમ છતાં મુસાફરો હવે વધારે ભાડા ખર્ચીને અન્ય ફ્લાઇટમાં જવાનું પસંદ કરી રહ્યા સૂત્રોના જણાવ્યા મુજબ, વિમાન દુર્ઘટના બાદ છેલ્લા અઠવાડિયામાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સહિતની ઘણી ફરિયાદો ઉઠી હતી. સોમવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છેલ્લા સમયે રદ કરવાની જાહેરાત કરતા મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા. આ તમામ કારણોસર ડરી ગયેલા મુસાફરોએ એર ઇન્ડિયાની સંખ્યાબંધ ફ્લાઇટ રદ કરાવી હતી. જ્યારે નવા બુકિંગ પણ ઘટી રહ્યા છે. વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના બુકિંગમાં 25 ટકાનો ઘટાડો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.