
ગાંધીનગર જિલ્લા પોલીસે નારદીપુર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂ. 19.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી.
પોલીસે મમતા ડાભીના પેથાપુર સ્થિત ઘરે દરોડો પાડ્યો હતો. અહીંથી ચાર પુરુષો અને બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી રોકડા રૂ. 5.35 લાખ, 48 યુએસ ડોલર (રૂ. 4.12 લાખ), સોનાની બંગડીઓ (રૂ. 9.17 લાખ), ચાર મોબાઇલ ફોન અને એક સીએનજી ઓટોરિક્ષા જપ્ત કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં પિયુષ દંતાણી, મમતા ડાભી, શિતલ વાઘેલા (ત્રણેય પેથાપુરના), અજય દંતાણી, મેહુલ ઠાકોર અને આફતાબખાન પઠાણનો સમાવેશ થાય છે. મમતા ડાભી નારદીપુરના જૈમીન પટેલના ઘરની માહિતી ધરાવતી હતી. તેણે શિતલ સાથે મળીને પિયુષને યોજનામાં સામેલ કર્યો હતો. પિયુષે અન્ય ત્રણ મિત્રોને બોલાવી ટોળકી બનાવી હતી. આ ટોળકીએ રાત્રે રિક્ષામાં જઈને ચોરીને અંજામ આપ્યો હતો.