“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ” : સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”
અમદાવાદ
વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ૨૧મી જૂનના દિવસને પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગવિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’માં યોગ દ્વારા મેદસ્વિતાના નિવારણ માટેના આહ્વાનથી પ્રેરિત આ વર્ષે સમગ્ર ગુજરાતમાં “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” અંતર્ગત “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત” થીમ આધારીત યોજવામાં આવશે.
માન. સંસદસભ્ય ગાંધીનગર લોકસભા અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ પ્રહલાદનગર ગાર્ડન ખાતે ઉપસ્થિત રહેશે. જેમાં, મહાનુભાવો સહિત અંદાજિત ૫૦૦ જેટલા યોગ સહભાગિતાઓ નાગરિકો દ્વારા યોગ કરવામાં આવશે.
અમદાવાદ ખાતે મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ ઈવેન્ટ સેન્ટર, સાબરમતી રીવરફ્રન્ટ ખાતે માન. મેયરશ્રી, માન. ચેરમેન, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમજ અમદાવાદ શહેરના વિવિધ બગીચાઓ સહિત તમામ ઝોનમાં ૬૩ જગ્યાઓ પર યોગ શિક્ષકોની હાજરીમાં યોગનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં, અંદાજીત ૧૦૦૦૦ જેટલા યોગ સહભાગીતાઓ ભાગ લેનાર છે.
કાંકરીયા ખાતે ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં અંદાજિત ૫૦૦ જેટલા યોગ સહભાગિતાઓ જોડાશે.
આ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્થાઓ જેવી કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ભારતીય યોગ સંસ્થા તથા પંતજલી, અ.મ્યુ.કો.ના અધિકારી, કર્મચારીશ્રીઓ તથા શહેરના નાગરિકો દ્વારા યોગ કરવામાં આવશે.
સદર કાર્યક્રમમાં ખુબજ મોટી સંખ્યામાં નાના બાળકો થી લઈને સિનિયર સિટીઝન સુધીના તમામ વયજુથના લોકો ઉત્સાહ પૂર્વક ભાગ લેનાર છે. તેમજ સ્થાનિક ધારાસભ્યો, કાઉન્સીલરશ્રીઓ પણ ઉપસ્થિત રહીને લોકોને યોગને રોજીંદા જીવનમાં વણી લેવા પ્રોત્સાહિત કરશે.
યોગ માત્ર વ્યાયામ નથી, તે જીવનશૈલી છે જે શરીર, મન અને આત્મા વચ્ચે સમતુલા સ્થાપિત કરે છે. નિયમિત યોગાભ્યાસ તણાવ દૂર કરે છે, શારીરિક શક્તિમાં વધારો કરે છે અને જીવનમાં નવી સકારાત્મકતા લાવે છે.આપણે સૌ યોગને જીવનશૈલી બનાવી, “સ્વસ્થ ગુજરાત”ના નિર્માણમાં સહભાગી બનીએ.

