
ઇઝરાયલે ઈરાન પર હુમલો કરી દીધો છે. ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયલે કાત્ઝે આની પુષ્ટિ કરી છે. જવાબી હુમલાની આશંકા જોતા ઇઝરાયલે કટોકટી લાદી દીધી છે. જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ 100 ડ્રોન ઇઝરાયલ તરફ છોડ્યાં છે તેમ ઇઝરાયલી સેનાનું કહેવું છે. કટોકટીની જાહેરાત કરતા કાત્ઝે કહ્યું કે, “ઈરાન પર ઇઝરાયલના હુમલા બાદ અમારા લોકો પર મિસાઇલ કે પછી ડ્રોન હુમલાની આશંકા છે. એવામાં જરૂરી ક્ષેત્રોને બાદ કરતા શૈક્ષણિક ગતિવિધિઓ, સમારંભો અને કાર્યસ્થળો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.” ઇઝરાયલના એક અધિકારીએ જણાવ્યું કે અનેક હુમલા કર્યા છે. આ હુમલા “ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને અન્ય સૈન્યઠેકાણાં પર છે.” અમેરિકામાં બીબીસી સહયોગી સીબીએસે જણાવ્યું કે અમેરિકન અધિકારીઓને ઈરાન પર હુમલાની જાણકારી હતી. એટલા માટે અમેરિકાએ કેટલાક વિસ્તારોમાંથી પોતાના નાગરિકોને પાછા બોલાવી લીધા હતા. અમેરિકાને એ વાતની શંકા હતી કે ઈરાન અમેરિકાના ઇરાકમાં આવેલાં ઠેકાણાં પર જવાબી કાર્યવાહી કરી શકે છે.
ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવની અસર આંતરાષ્ટ્રીય સ્તર પર થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ઇઝરાયલી હુમલા અંગે સોશિયલ પર સતત પોસ્ટ કરી રહ્યા છે. તેમની તાજેતરની પોસ્ટમાં, તેમણે કહ્યું છે કે ઈરાન પાસે હજુ પણ પરમાણુ કરાર પર પહોંચવાની ‘બીજી તક’ છે. તેમણે લખ્યું, “બે મહિના પહેલા મેં ઈરાનને ‘ડીલ’ કરવા માટે 60 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. એમણે એ કરી લેવા જેવો હતો. આજે 61મો દિવસ છે. મેં તેમને શું કરવું તે કહ્યું, પરંતુ તેઓ તે કરી શક્યા નહીં. હવે તેમની પાસે કદાચ બીજી તક છે.” રવિવારે ઓમાનમાં અમેરિકા ને ઇરાન વચ્ચે છઠ્ઠા તબક્કામાં પરમાણુ કરાર પરની વાટાઘાટો થવા જઈ રહી છે. અગાઉ, ઈરાને અમેરિકા પર ઇઝરાયલના હુમલાઓને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો, જેનો અમેરિકાએ ઇનકાર કર્યો હતો.