
ઇઝરાયલે ઈરાનના ‘અણુ કાર્યક્રમ’ સાથે સંકળાયેલાં મથકો પર હુમલા કર્યા છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલા પર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, “થોડી વાર પહેલાં જ ઇઝરાયલે ‘ઑપરેશન રાઇઝિંગ લાયન’ શરૂ કર્યું છે, જે ઇઝરાયલના અસ્તિત્વ પર ઈરાનના જોખમને ઘટાડવા એક ટાર્ગેટેડ સૈન્ય અભિયાન હતું. જરૂરી હશે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે.” ઈરાનના સરકારી મીડિયા મુજબ ઇઝરાયલે તહેરાન અને અન્ય બીજાં શહેરોમાં રહેણાક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈએ ઇઝરાયલના હુમલા પર કહ્યું કે “તેને આની સજા ભોગવવી પડશે.” તેમણે ઍક્સ પર લખ્યું છે કે “તે (ઝાયનિસ્ટ) સરકારે આકરી સજાની અપેક્ષા રાખવી જોઈએ. ઈરાનની સશસ્ત્ર સેના આ હુમલાનો જવાબ આપ્યા વગર છોડશે નહીં.” હુમલા પછી તરત ઇઝરાયલે દેશમાં કટોકટી જાહેર કરી દીધી હતી. ઈરાન આ હુમલાનો બદલો લેશે તેવી આશંકા છે. બીજી તરફ, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે “આ હુમલામાં અમેરિકાની કોઈ સંડોવણી નથી.” ઈરાન પર ઇઝરાયલના હુમલાની સંભાવના પહેલેથી જ હતી. વૉલ સ્ટ્રીટ જર્નલે એક રિપોર્ટમાં કહ્યું હતું કે ઈરાન તેના અણુ કાર્યક્રમને સીમિત કરવાનો અમેરિકાનો પ્રસ્તાવ નકારશે તો ઇઝરાયલ ઈરાન પર હુમલો કરવા તૈયાર છે. સમાચાર એજન્સી રૉઇટર્સ મુજબ ઈરાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ઇઝરાયલ અને અમેરિકાએ આની ભારે કિંમત ચૂકવવી પડશે.” ઈરાની સેનાના પ્રવક્તા અબોલફઝલ શેકારચીએ કહ્યું કે “સેના ચોક્કસપણે ઝાયનિસ્ટ હુમલાનો જવાબ આપશે.”
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હુમલા પછી એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “હાલના મહિનાઓમાં ઈરાને એવાં પગલાં લીધા છે જેવાં અગાઉ ક્યારેય લીધાં ન હતાં. આ સંવર્ધિત યુરેનિયમનો હથિયાર બનાવવા માટે ઉપયોગ કરવાનાં પગલાં છે.” “આને રોકવામાં નહીં આવે તો ખૂબ જ ઓછા સમયમાં ઈરાન અણુ હથિયાર બનાવી શકે છે. આ ફક્ત એક જ વર્ષમાં થઈ શકે છે. અથવા થોડા જ મહિનાઓમાં કે એક વર્ષથી ઓછા સમયમાં પણ થઈ શકે છે. આ સ્પષ્ટ રીતે ઇઝરાયલના અસ્તિત્વ પર ખતરો છે.” નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલે ઈરાનના ન્યુક્લિયર એનરિચમેન્ટ પ્રોગ્રામના કેન્દ્ર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, “ઇઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 225 કિલોમીટર દક્ષિણમાં ઈરાનના નતાન્ઝા શહેરનાં મુખ્ય સંવર્ધન ઠેકાણાં પર હુમલો કર્યો છે.” એપ્રિલ 2021માં ઈરાને તે જ જગ્યા પર થયેલા સાઇબર હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું. ઈરાને કહ્યું કે ઇઝરાયલે “ઈરાની બૉમ્બ પર કામ કરી રહેલા ઈરાની વૈજ્ઞાનિકો”ને નિશાન બનાવ્યા હતા. નેતન્યાહૂએ કહ્યું કે, “જેટલા દિવસ લાગશે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે.” ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ અણુ કાર્યક્રમની વાત પર નેતૃત્વ કરવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે કહ્યું કે, તેમણે ઘણી વાર સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ઈરાન અણુ સંવર્ધક કાર્યક્રમ ચલાવી શકે નહીં.
ઈરાનમાં મીડિયા શું કહે છે?: ઈરાનના સરકારી મીડિયા મુજબ ઇઝરાયલે તેહરાનના રહેણાક વિસ્તારમાં હુમલો કર્યો છે. સમાચાર એજન્સી રૉઇટર્સે ઈરાનના સરકારી મીડિયાનો હવાલો આપતા કહ્યું કે “મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.” સરકારી ટીવીએ અહેવાલ આપ્યો કે તેહરાનના રિવોલ્યુશનરી ગાર્ડના હેડક્વાર્ટર પર પણ ઇઝરાયલે હમલો કર્યો છે અને તેમના વડા હુસૈન સૈની તેમાં મૃત્યુ પામ્યા છે. સ્થાનીય મીડિયા મુજબ ત્યાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. રિવોલ્યુશનરી ગાર્ડ એ ઈરાનની સેનાની એક પાંખ છે અને ઈરાનનું એક મજબૂત સંગઠન પણ છે. ઈરાનના સરકારી ટીવીએ આ હુમલામાં મૃત્યુ પામનારા બે વરિષ્ઠ અણુ વૈજ્ઞાનિકોનાં નામ પણ જાહેર કર્યાં છે. મૃતકોમાં અણુ ઊર્જા સંગઠનના પૂર્વ પ્રમુખ ફિરેદૂન અબ્બાસી અને તહેરાન સ્થિત ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીના અધ્યક્ષ મોહમ્મદ મેહદી તેહરાનચીનો પણ સમાવેશ થાય છે. 2010માં પણ તહેરાનના એક રસ્તા પર પણ ફિરેદૂન અબ્બાસીની હત્યાનો પ્રયાસ કરાયો હતો, જેમાં તેઓ બચી ગયા હતા.
અમેરિકાએ ઈરાન પરના હુમલામાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું કે, “ઇઝરાયલે ઈરાન સામે એકતરફી કાર્યવાહી કરી છે. અમે ઈરાન વિરુદ્ધ થયેલા હુમલામાં સામેલ નથી અને અમારી પ્રાથમિકતા આ પ્રદેશમાં અમેરિકાની સેનાની રક્ષા કરવાની છે.” જોકે, રૂબિયોએ ઈરાન પર થયેલા હુમલામાં ઇઝરાયલનો બચાવ પણ કર્યો છે. તેમણે જણાવ્યું કે, “ઇઝરાયલે અમને જણાવ્યું હતું કે આ કાર્યવાહી તેમની આત્મરક્ષા માટે જરૂરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રશાસને અમારી સેનાની સુરક્ષા માટે બધા જ જરૂરી પગલાં લીધા છે.” તેમણે કહ્યું કે, “અમે આ ક્ષેત્રમાં અમારા સાથીદારો સાથે સંપર્ક બનાવી રાખ્યા છે. હું જણાવી દઉં કે ઈરાને અમેરિકન હિતો અને તેના કામદારોને નિશાન બનાવવા ન જોઈએ.” 165 વર્ષ પહેલાં જમીનમાંથી નીકળેલા 21 ફૂટ ઊંચા તેલના ફુવારાએ દુનિયા આખીને કેવી રીતે બદલી નાખી?
નિષ્ણાતો મુજબ અમેરિકાએ તાજેતરમાં મધ્ય-પૂર્વમાં જે પગલાં લીધા, તેનાથી ઇઝરાયલ ઈરાન પર હુમલો કરશે એવું લાગતું હતું. નૅશનલ સિક્યોરિટી કાઉન્સિલ ખાતે કાઉન્ટર ટેરરિઝમના પૂર્વ ડિરેક્ટર જાવેદ અલીએ કહ્યું કે, “આ હુમલાથી કોઈ નવાઈ નથી.” તેમણે બીબીસીના એક કાર્યક્રમમાં જણાવ્યું કે “હુમલો શરૂ કરતા પહેલાં એક સંદેશ આપવામાં આવ્યો હતો. ઇરાકમાં અમેરિકન દૂતાવાસને આંશિક રૂપથી ખાલી કરવું એ તેનો એક સંકેત હતો.” જાવેદ અલીએ કહ્યું કે, “અમેરિકાએ આની સાથે જ ક્ષેત્રમાં સૈન્ય મથકો પરથી પરિવારોને પાછા મોકલવાનો આદેશ આપ્યો હતો. સાથે જ અમેરિકાના તરફથી અન્ય વાતો પર કોઈ ચર્ચા કરાઇ રહી નથી. મારા માટે આ એક સંકેત હતો કે આ હુમલા ટૂંક સમયમાં થવાના છે.” જાવેદ અલીનું કહેવું છે કે, “આ હુમલાને કારણે હવે સ્પષ્ટ નથી કે અમેરિકા અને ઈરાન વચ્ચે અણુ કાર્યક્રમને લઈને છઠ્ઠા તબક્કાની બેઠકોનું શું થશે.” તેમણે કહ્યું કે, “ઈરાને કહ્યું હતું કે ઇઝરાયલ હુમલો કરશે તો અમેરિકાને જવાબદાર ગણવામાં આવશે અને અમેરિકાના ઠેકાણા પર હુમલો કરવામાં આવશે.” “હજુ સુધી એવું થયું નથી, જો એવું થશે તો પછી અમેરિકા પણ આના પર મોટી જવાબી કાર્યવાહી કરી શકે છે.અત્યાર સુધીમાં તો ઈરાન આ મુદ્દે અમેરિકાની કોઈ ભાગીદારી ઇચ્છતું નથી.”