વર્ષ 2015માં ક્રિમિનલ ઈન્કવાયરી તરીકે કેસ ચાલ્યો હતો, આજે દસ વર્ષ બાદ ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યો છે
રાજકોટ, તા.21
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આરોપીને માર મારવાના બનાવમાં તત્કાલિન ડીસીપી ચૌધરી, પીઆઇ જાડેજા, પીએસઆઇ હડિયા સહિત 10 સામે ગુનો કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યો છે. વર્ષ 2014ના હત્યા પ્રયાસ અને આર્મ્સ એક્ટના ગુનામાં ચેતન ગોંડલીયાની ધરપકડ થઈ હતી.
પોલીસ કસ્ટડી બાદ કોર્ટમાં રજૂ કરતા બેફામ માર માર્યો હોવાની ફરિયાદ ચેતન દ્વારા કરાઈ હતી. વર્ષ 2015માં ક્રિમિનલ ઈન્કવાયરી તરીકે કેસ ચાલ્યો હતો, આજે દસ વર્ષ બાદ ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યો હતો.
આરોપીઓ (1) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ વી.એમ.જાડેજા, (2) તત્કાલિન પીએસસાઈ હડીયા, (3) તત્કાલિન ડીસીપી ચૌધરી, (4) કુલદીપસિંહ જાડેજા, (5) સિધ્ધરાજસિંહ જાડેજા, (6) કીશન, (7) પ્રતાપ, (8) રાજુ બાલા, (9) ક્રિપાલસિંહ (10) રાવત આહીર સામે ધી ઈન્ડીયન પીનલ કોડની કલમ 323, 324, 114 મુજબના ગુનો નોંધી, કોર્ટે પોતાની પાસે જ ફરિયાદ રાખી આગામી તા.20/06/2025ના રોજ મુદ્દત નક્કી કરી હતી. જેમાં આરોપીઓ હાજર રહ્યા હતા.
પોલીસ કસ્ટડીમાં માર મારવાના બનાવના કેસની સમગ્ર વિગત જોઈએ તો, વર્ષ 2014ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ-307, 504, 114, 212 તથા આર્મ્સ એકટની કલમ-25(1-બી)એ, 27(1) મુજબના ગુનામાં આરોપી ચેતન ગોંડલીયાની ધરપકડ થઈ હતી. ધરપકડ બાદ પોલીસ કસ્ટડી પછી નિયમ મુજબ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો.
જ્યાં આરોપી ચેતન ગોંડલીયાએ જજ સમક્ષ એવી ફરિયાદ કરેલી કે, પોલીસ અધિકારી-કર્મચારીઓએ તેને બેફામ માર માર્યો હતો. જેથી આરોપી ચેતન ગોંડલીયાને કોર્ટમાંથી જ સીધો હોસ્પિટલ ખસેડવામાં આવેલ. જ્યાં રિપોર્ટ થતા ડોકટરનો રિપોર્ટ પોઝિટિવ આવેલ. આ બનાવમાં તા.7/1/2015થી ડીસ્ટ્રીકટ જજએ પોલીસ વિરૂધ્ધની ત્રાસની ફરીયાદ અંગે વહેલામાં વહેલી તકે ઈન્કવાયરી કરવાનો હુકમ કરેલ હતો.
જેથી કોર્ટ દ્વારા ક્રિમીનલ ઈન્કવાયરી રજીસ્ટરમાં નોંધવામાં આવેલ. ત્યારબાદ કોર્ટ દ્વારા ઈન્કવાયરીના કામે ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ ગોંડલીયાની સોગંદ પરની જુબાની નોંધવામાં આવેલ. આંક-5 થી ચેતનભાઈની સારવાર કરનાર ડોકટર સુનીલભાઈની સોગંદ પરની જુબાની નોંધેલ. ચેતનભાઈની સારવાર કરનાર ડોકટરે તા.05/1/2015 ના રોજ ચેતનભાઈની ઈજાઓ અંગેનુ મેડીકલ સર્ટીફીકેટ કોર્ટમાં રજુ કરેલ.
જેથી રજુ થયેલ પુરાવાઓને ધ્યાને લેતા તત્કાલિન ડીસીપી સહિત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારી – કર્મચારી આરોપીઓએ એકબીજાની મદદગારીથી ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ ગોંડલીયાને સખત અને બોથડ પદાર્થથી માર મારી શરીરે દેખી શકાય તેવી ઈજાઓ પહોંચાડી ધી ઈન્ડીયન પીનલ કોડની કલમ-323, 324, 114 મુજબનો ગુનો કરેલ હોવાનુ પ્રથમ દર્શનીય રીતે જણાય આવતા ડીસ્ટ્રીકટ જજને ઈન્કવાયરીનો રીપોર્ટ મોકલી આપવામાં આવેલ હતો.
તા.27/5/2025 થી કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી ચાલી હતી. જેમાં રાજકોટના બીજા એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ કરાયો હતો કે, ઈન્કવાયરીને ક્રિમીનલ કેસ તરીકે રજીસ્ટરમાં નોંધવા હુકમ કર્યો હતો. ગઈકાલે મુદ્દત હોવાથી આરોપી પોલીસ અધિકારી – કર્મચારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા.
આ પ્રકરણથી પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. આ ગુનામાં ક્રિમિનલ ઈન્કવાયરી નોંધાવનાર ફરિયાદી ચેતનભાઈ ગોંડલીયા વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી રાજેશ બી. ચાવડા, મન ડોડીયા, સીમરન ગોડ, અભિષેક વોરા, સોના પટેલ, નયના મઢવી રોકાયેલ હતા.