
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે કહ્યું છે કે, યોન શોષણનો ભોગ બનેલી સગીર પીડિતાને અનિચ્છનીય ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે દબાણ કરી શકાતું નથી. આ ટિપ્પણી કરતા કોર્ટે 12 વર્ષની પીડિતાને 28 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે.
મેડિકલ બોર્ડના વિપરીત અહેવાલ છતાં કોર્ટે આ પરવાનગી આપી છે. બોર્ડે પીડિતાની ઉંમરને ધ્યાનમાં રાખીને ગર્ભપાતને જોખમી ગણાવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે કહ્યું કે જો પીડિતાને તેની ઇચ્છા વિરુદ્ધ બાળકને જન્મ આપવા માટે દબાણ કરવામાં આવે છે, તો તે સગીરને તેના જીવન માર્ગ નક્કી કરવાના અધિકારથી વંચિત રાખવા સમાન હશે.
તપાસ બાદ, મેડિકલ બોર્ડે અભિપ્રાય આપ્યો હતો કે છોકરીની ઉંમર અને ગર્ભના વિકાસના તબક્કાને ધ્યાનમાં લેતા, ગર્ભપાત પ્રક્રિયા જોખમી રહેશે. જોકે, હાઇકોર્ટે 17 જૂનના રોજ આપેલા આદેશમાં કહ્યું હતું કે ગર્ભપાતની મંજૂરી આપવી જોઈએ. છોકરી પર તેના નજીકના સંબંધી દ્વારા યોન શોષણ કરવામાં આવ્યુ હતું. છોકરીના પિતાએ ગર્ભાવસ્થા દૂર કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.