શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું

Spread the love

 

 

કડી અને વિસાવદરની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાંના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ના થાય ત્યાં સુધી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે. આ પહેલા 2022ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ 2023ના જૂનમાં શક્તિસિંહ નવા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. આ પહેલાં 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી મહાનગર પાલિકાઓ તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય થતા અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડા 2018માં પ્રદેશ પ્રમુખ બન્યા હતા. શક્તિસિંહે જણાવ્યું હતું કે 30 વર્ષથી સત્તા ના હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. સારાં પરિણામો નથી આવ્યાં એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે.
‘શહેર અને જિલ્લા- પ્રમુખોની નિયુક્તિ અંગે કહ્યું હતું કે જિલ્લાકક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળી હતી. એઆઇસીસીએ તમામ સારા ઉમેદવારને સાંભળ્યા છે. એ બાદ જિલ્લા- પ્રમુખોનાં નામ પર મહોર મારવામાં આવી હતી. ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યાં છે. પક્ષ કે પરિવારમાં નિર્ણયો સમયે અમુક લોકોને સમસ્યા હોઈ શકે છે. ત્રણ મહિને જિલ્લા-પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. એ બાદ કાર્યકરોને ફરી પૂછવામાં આવશે. પૂર્વ અને નવા નિમાયેલા જિલ્લા-પ્રમુખોને શુભેછાઓ પાઠવું છું. શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા-પ્રમુખો નહીં, પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે. ભાવનગરમાં પણ જે નામ આવ્યાં એ પણ કાર્યકરોની સર્વસંમતિથી આવ્યાં હતાં.’ ‘હું નહોતો ઇચ્છતો કે રાજીનામું આપું અને મને મનાવવામાં આવે. મેં મારી જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે. હું કોંગ્રેસનો સિપાહી તરીકે હંમેશાં કામ કરતો રહીશ. પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ. મેં બેવડા ધોરણો સાથે રાજનીતિ કરી નથી. બેમાંથી એક સીટ પણ મળી હોત તોપણ સારું લાગત.’ ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ 31 મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી, જોકે અંતે કોંગ્રેસે 20 દિવસ મોડી એટલે કે 21 જૂન, 2025ના રોજ શહેર અને જિલ્લા-પ્રમુખોની વરણી કરી હતી, જેમાં 10 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 48 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 47 ટકા અને કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા. 15 બેઠક પર ભાજપની જીત થઇ હતી તો 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી.ભાજપને કોંગ્રેસ કરતા 3.51 ટકા વધુ મળ્યા હતા. 2014ની ભાજપ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 59 ટકા અને કોંગ્રેસને 33 ટકા મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠકો કબ્જે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા 26.2 ટકા વધુ મત મળ્યા હતા. 2009માં ભાજપનો વોટ શેર 47 ટકા હતો જે 2014માં 12 ટકા વધીને 59 ટકા થઇ ગયો. જ્યારે 2009માં કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા જે 2014માં 11 ટકા ઘટીને 33 ટકા થઇ ગયા. 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 62 ટકા અને કોંગ્રેસને 32 ટકા મત મળ્યા હતા. તમામ 26 બેઠકો પર ભાજપે ફરી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા 30.1 ટકા વધુ મત મળ્યા હતા. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે લાજ રાખી હોય એમ 1 સીટ મેળવી હતી.
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી. શક્તિસિંહ ગોહિલ લીમડા સ્ટેટ(હનુભાના)ના છઠ્ઠા રાજા હરિશ્ચંદ્ર રણજિતસિંહ ગોહિલના દીકરા છે તેમજ હાલ શક્તિસિંહ પોતે જ લીમડાના દરબાર સાહેબ છે. આમ, તેઓ એક રોયલ પરિવારમાંથી આવે છે. તેમના દાદા રણજિતસિંહજી 1967માં ગઢડા સીટ પરથી સ્વતંત્ર પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા.
તેમનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગરના ઉમરાળા તાલુકાના લીમડા ગામમાં થયો છે. તેમણે સરકારી પ્રાથમિક શાળામાં 1થી 4 ધોરણ બાદ સુરેન્દ્રનગરની શાળામાં અને ત્યાર બાદ સોનગઢ ખાતે આર્ય સમાજના ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે. બાદમાં ભાવનગરમાં સર પી.પી. ઈન્સ્ટિટ્યૂટમાં કેમિસ્ટ્રી વિષય સાથે બીએસસી કર્યા બાદ LLB, ડિપ્લોમા ઈન જર્નલિઝમ અને બાદમાં રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLMનો અભ્યાસ કર્યો. આ સમયગાળા દરમિયાન રાજકીય રીતે પણ જિલ્લા પંચાયતની બે ચૂંટણી લડ્યા હતા. ભણતરના એ સમયે જ ધારાસભ્ય પણ બની ગયા હતા. પરિવારમાં 4 ભાઈ અને 2 બહેનો પૈકી એક ભાઈનું નિધન થઈ ચૂક્યું છે. પરિવાર પોતાની રીતે વ્યસ્ત રહે છે. રાજકીય પ્રવૃત્તિમાં મારે જરૂર પડે ત્યારે પડદા પાછળ રહીને મદદ કરે છે, પણ સક્રિય રીતે અન્ય કોઈ રાજકારણમાં નથી.
શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. આ પછી તેઓસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા. 1990માં તેઓ એઆઇસીસીના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઈ હતી. કોંગ્રેસના બહુ ઓછા નેતા છે, જે ટેક્નિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહ આવા જ એક કોંગ્રેસી નેતા છે, જે સજાગ પણ છે અને સ્માર્ટ પણ. ગુજરાતના મંત્રીમંડળના ઇતિહાસમાં સૌથી નાની વયે, એટલે કે 32 વર્ષની ઉંમરે મંત્રીપદ સંભાળનારા નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. 1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળ્યા હતા. સઘન વાંચન અને અભ્યાસ ધરાવતા નેતા તરીકેની તેઓ છબિ ધરાવે છે. તેઓ 1990-95, 1995-98, 2007-2012, 2014 અને 2017થી 2020 એમ પાંચ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે 2020માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *