ગુજરાતની બહુચર્ચિત એવી વીસાવદરની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે, જેમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની હાર થઈ છે. ગોપાલ ઇટાલિયાએ તેમને 17 હજાર કરતાં વધુ મતોથી હરાવી દીધા છે.
આ સાથે જ કિરીટ પટેલને ભાજપનો ‘વીસાવદરનો વનવાસ’ પૂર્ણ કરવામાં સફળતા મળી નથી. વીસાવદરમાં છેલ્લે ભાજપની જીત 2007માં થઈ હતી.
વીસાવદરની આ વખતની પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા હર્ષદ રીબડિયા અને આપમાંથી ભાજપમાં ભળેલા ભૂપત ભાયાણી ટિકિટ મેળવવાના દાવેદાર હતા
પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને ટિકિટ મળી હતી.
કિરીટ પટેલ સામે ભાજપને વીસાવદરમાં વર્ષો પછી જીતાડવાનો પડકાર હતો અને પક્ષમાં રહેલા કથિત આંતરિક સંઘર્ષને ખાળીને પણ જીતી બતાવવાનો પડકાર હતો. કિરીટ પટેલ સામે વ્યક્તિગત રૂપે પણ અનેક આરોપો હતા.
તેમની સામે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ‘મજબૂત’ ઉમેદવાર હતા. વીસાવદરથી હારી જનાર ભાજપના કિરીટ પટેલ કોણ છે?
જૂનાગઢના ‘જૂના જોગી’
KiritPatel/FB
ચૂંટણીપંચ સમક્ષ કરેલી ઍફિડેવિટ અનુસાર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે બી.કૉમ અને એલ.એલ.બીનો અભ્યાસ કરેલો છે તથા તેઓ ખેતી અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.
2009થી 2015 દરમિયાન તેઓ જૂનાગઢ યુવા ભાજપના પ્રમુખ હતા અને ત્યાર પછી જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે.
તેઓ એપીએમસી તાલાલાના ચૅરમૅન, એપીએમસી જૂનાગઢના ચૅરમૅનપદે પણ રહ્યા હતા.
44 વર્ષીય કિરીટ પટેલ હાલમાં જૂનાગઢ જિલ્લા સહકારી બૅન્કના ચૅરમૅન છે.
કિરીટ પટેલ 2017માં વીસાવદરથી જ ચૂંટણી લડી ચૂક્યા છે પરંતુ એ સમયે તેમની કૉંગ્રેસના હર્ષદ રિબડીયા સામે 21 હજારથી વધુ મતે હાર થઈ હતી. વીસાવદરની હાર એ તેમની બીજી હાર છે.
તેઓ ભાજપ અને તેના સંગઠનમાં સારી પકડ ધરાવે છે.
સહકારી ક્ષેત્રે ‘મોટું નામ’
Kirit Patel/FBકિરીટ પટેલની જીત માટે સી.આર.પાટીલ સહિત ભાજપના જયેશ રાદડિયા, મૂળુભાઈ બેરા સહિતના લોકોએ મહેનત કરી હતી.
સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર અને ‘ફૂલછાબ’ દૈનિકના ભૂતપૂર્વ તંત્રી કૌશિક મહેતા સાથે બીબીસીએ વાતચીત કરી હતી.
કૌશિક મહેતા જણાવે છે, “કિરીટ પટેલ સહકારી ક્ષેત્રનું મોટું નામ છે. માર્કેટયાર્ડથી બૅન્ક સુધી તેમનું જૂનાગઢ જિલ્લામાં પ્રભુત્વ છે. કિરીટ પટેલ ભાજપના સબળ ઉમેદવાર છે જેમણે હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણીની જગ્યાએ ટિકિટ મેળવી હતી. તેમને જે સ્થિતિમાં ટિકિટ મળી એ જ મોટી વાત હતી. એ દર્શાવે છે કે કિરીટ પટેલ પક્ષમાં પણ વગદાર છે.”
જાણકારો કહે છે કે કિરીટ પટેલ સહકારી ક્ષેત્રના આગેવાન હોવાથી જ ભાજપે સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા જયેશ રાદડિયાને વીસાવદરની ચૂંટણીની જવાબદારી સોંપી હતી.
કૌશિક મહેતા કહે છે, “એટલે જ તો જવાહર ચાવડાએ આક્ષેપો કર્યા હતા કે કિરીટ પટેલ પાસે બધાં પદો છે. જૂનાગઢના ભાજપ સંગઠન સહિત કિરીટ પટેલને ભાજપમાં દિલ્હી સુધી સંબંધો હોવાનું કહેવાય છે.”
કિરીટ પટેલ ભાજપના સંગઠનમાં પણ વર્ચસ્વ ધરાવે છે. ભાજપે પણ કિરીટ પટેલને જીતાડવા માટે વીસાવદરમાં ભરપૂર પ્રયાસો કર્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીથી માંડીને સમગ્ર ટોચની નેતાગીરીએ વીસાવદરમાં પ્રચાર કર્યો હતો. તેમ છતાં તેમને જીત અપાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
કિરીટ પટેલ સામે આરોપો અને વિવાદો
Kirit Patel/FBકિરીટ પટેલે મતદાનમથકમાં ભાજપના પ્રતીક સાથે મતદાન કરતાં પણ વિવાદ થયો હતો, વિપક્ષોએ ચૂંટણીપંચને પગલાં લેવા માટે કહ્યું હતું.
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે, “કિરીટ પટેલ વગદાર નામ છે પરંતુ તેમના પર ઘણા આક્ષેપો થયેલા છે.”
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પણ કિરીટ પટેલ સામે ઘણા આક્ષેપો કર્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, “20 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા લોકોના નામે લોન લીધી, જેમની જમીન કે બૅન્કમાં ખાતું નથી એવા લોકોના નામે લોન લીધી, વીસાવદર, વંથલી, ભેંસાણ, માણાવદર, કેશોદ સહિતના વિસ્તારોનાં અનેક ગામડાંમાં અંદાજે 100થી 200 કરોડનું કૌભાંડ જૂનાગઢ જિલ્લા સહકારી બૅન્ક દ્વારા થયેલું છે. તેનો જવાબ કિરીટ પટેલ આપશે?”
ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોની આત્મહત્યા અંગે પણ તેમના પર આરોપો લગાવ્યા છે. તેમણે વારંવાર ચૂંટણીપ્રચારમાં કિરીટ પટેલ સામે આક્ષેપો કર્યા હતા.
જોકે, કિરીટ પટેલે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં આ આરોપોને નકાર્યા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ ખેડૂતોને ન્યાય અપાવશે. તેમણે કહ્યું હતું કે, “જે લોકોએ ગોટાળા કર્યા છે એ 2012 કે એના પહેલાંની વાત છે. મેં તો પગલાં ભર્યાં છે અને ખેડૂતોને બચાવવાનું કામ કર્યું છે.